400થી વધીને 2 લાખ સ્ટાર્ટઅપ્સ સુધીની સફર; 120 યુનિકોર્ન સાથે ભારત વિશ્ર્વમાં ત્રીજા નંબરે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભારતના આર્થિક ઇતિહાસમાં 16 જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો રહેશે. બરાબર 10 વર્ષ પહેલા, 16 જાન્યુઆરી 2016ના રોજ જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ પહેલની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી કે એક દાયકામાં ભારત ‘નોકરી શોધનારાઓ’ના દેશમાંથી ‘નોકરી સર્જકો’નો દેશ બની જશે. આજે 2026માં આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થતા જે આંકડા સામે આવ્યા છે તે ભારતની બદલાતી આર્થિક તસ્વીર રજૂ કરે છે. ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બની ગયો છે.
સ્ટાર્ટઅપ ઇન્ડિયાની સૌથી મોટી સફળતા રોજગારીના ક્ષેત્રમાં જોવા મળી છે. ઉઙઈંઈંઝ (ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ) ના તાજેતરના અહેવાલ મુજબ, ભારતના સ્ટાર્ટઅપ્સે અત્યાર સુધીમાં 2.1 મિલિયન (21 લાખ) થી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. આ આંકડો માત્ર આર્થિક પ્રગતિ જ નહીં, પરંતુ લાખો પરિવારોના જીવનમાં આવેલી સ્થિરતાનો પણ પુરાવો છે. નોંધનીય છે કે માત્ર વર્ષ 2025 માં જ 44,000 થી વધુ નવા સ્ટાર્ટઅપ્સ ઉમેરાયા છે. સૌથી હકારાત્મક બાબત એ છે કે 2025 માં સ્ટાર્ટઅપ બંધ થવાનો દર છેલ્લા પાંચ વર્ષના ન્યૂનતમ સ્તરે રહ્યો છે, જે દર્શાવે છે કે હવે ભારતીય સ્ટાર્ટઅપ્સ વધુ પરિપક્વ અને સ્થિર થઈ રહ્યા છે.
વર્ષ 2016માં જ્યારે આ અભિયાન શરૂ થયું ત્યારે દેશમાં માત્ર 400 જેટલા માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ હતા. આજે આ સંખ્યા વધીને 2,00,000 (બે લાખ) ને વટાવી ગઈ છે. આ 10 વર્ષમાં 120 થી વધુ કંપનીઓ ‘યુનિકોર્ન’ (1 બિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી કંપની) બની છે, જેનું સંયુક્ત મૂલ્ય 350 બિલિયન ડોલરથી વધુ આંકવામાં આવે છે. ભારતનું આ ઇકોસિસ્ટમ દર વર્ષે 12 થી 15 ટકાના દરે સતત વૃદ્ધિ પામી રહ્યું છે, જે વૈશ્વિક રોકાણકારો માટે ભારતને આકર્ષક કેન્દ્ર બનાવે છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે સ્ટાર્ટઅપ્સ માત્ર બેંગલુરુ, મુંબઈ કે દિલ્હી જેવા મેટ્રો શહેરો પૂરતા મર્યાદિત છે. પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. આજે લગભગ 50% સ્ટાર્ટઅપ્સ નાના શહેરો (ટાયર-2 અને ટાયર-3) માંથી આવી રહ્યા છે. રાજકોટ, સુરત, ઈન્દોર અને જયપુર જેવા શહેરો હવે નવા આઈડિયાના હબ બની રહ્યા છે. આ ઉપરાંત, મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં પણ મોટી સિદ્ધિ મળી છે. ભારતના 45% થી વધુ સ્ટાર્ટઅપ્સમાં મહિલાઓ ભાગીદાર અથવા સ્થાપક તરીકે નેતૃત્વ કરી રહી છે, જે સામાજિક બદલાવનો સંકેત છે.આ સફળતા પાછળ સરકારની નીતિઓનો મોટો હાથ છે. સરકારે સ્ટાર્ટઅપ્સ માટે 10,000 કરોડ રૂપિયાનું ખાસ ફંડ બનાવ્યું છે. આ ઉપરાંત, નવા સાહસોને ત્રણ વર્ષ સુધી ટેક્સમાં મુક્તિ, સરળ નિયમો અને લાયસન્સ પ્રક્રિયામાં છૂટછાટ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારતીય સ્ટાર્ટઅપ્સે ખાનગી રોકાણકારો, વેન્ચર કેપિટલ અને ગ્રોથ ફંડિંગ દ્વારા 150 બિલિયન ડોલરથી વધુની મૂડી એકત્ર કરી છે. દરરોજ સરેરાશ 80 નવા સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી રહી છે, જે ભારતની ઉદ્યોગ સાહસિકતાની ધગશ દર્શાવે છે. ટૂંકમાં, છેલ્લા 10 વર્ષમાં ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમે દેશના અર્થતંત્રને એક નવી ઊંચાઈ આપી છે. હવે લક્ષ્ય આગામી દાયકા સુધીમાં ભારતને વિશ્વનું નંબર વન સ્ટાર્ટઅપ હબ બનાવવાનું છે.
AI અને ડીપ ટેક: ભવિષ્યનો નવો રોડમેપ
શરૂઆતના વર્ષોમાં ભારતીય સ્ટાર્ટઅપ્સ મુખ્યત્વે ઈ-કોમર્સ અને સર્વિસ સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા, પરંતુ હવે મોજું બદલાયું છે. સરકાર હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં) અને ડીપ ટેક (જેમ કે રોબોટિક્સ્, સ્પેસ ટેકનોલોજી અને નવી દવાઓનું સંશોધન) પર વધુ ભાર મૂકી રહી છે. ભારતમાં અત્યારે 1,000 થી વધુ સંરક્ષણ સ્ટાર્ટઅપ્સ, 380 થી વધુ સ્પેસ ટેક સ્ટાર્ટઅપ્સ અને 5,000 થી વધુ એગ્રીટેક (ખેતી લક્ષી) સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે. સરકાર ઈચ્છે છે કે ભારતીય યુવાનો માત્ર એપ્લિકેશન જ નહીં, પણ વિશ્વ માટે નવી અને પાયાની ટેકનોલોજીની
શોધ કરે.



