વેનેઝુએલાના નેતા મારિયા મચાડોએ પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો, કહ્યું- અમને રાષ્ટ્રપતિ પર વિશ્ર્વાસ છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી આ તેમની કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. મુલાકાત પછી મચાડોએ કહ્યું હતું કે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો છે. તેમણે કહ્યું, ‘મને લાગે છે કે આજે આપણે વેનેઝુએલાવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે.’ બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ ટ્રમ્પને પોતાનો પુરસ્કાર સોંપવા વિશે જણાવ્યું, પરંતુ તેમણે બીજી કોઈ માહિતી આપી નહીં. જ્યારે વ્હાઇટ હાઉસે પણ એ જણાવ્યું નહીં કે ટ્રમ્પે મેડલ સ્વીકાર કર્યો કે નહીં. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી મચાડોએ બહાર એકઠાં થયેલા સમર્થકોને સ્પેનિશમાં કહ્યું, ‘આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ.’ જોકે ટ્રમ્પે અત્યારસુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી. એના બદલે તેઓ વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે કામ કરી રહ્યા છે.
મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ પદવી નહીં: નોબેલ સંસ્થા
ટ્રમ્પ હંમેશાં નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા રહ્યા છે. જ્યારે તેઓ માચાડોને મળ્યા ત્યારે તેમણે નારાજગી વ્યક્ત કરી. બીજી તરફ, નોબેલ સમિતિએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે નોબેલ પુરસ્કારની જાહેરાત થયા પછી એને રદ કરી શકાતો નથી. ન તો એને શેર કરી શકાય છે અને ન તો કોઈ અન્યને હસ્તાંતરિત કરી શકાય છે. આ નિર્ણય અંતિમ છે અને હંમેશાં માટે માન્ય રહેશે. ગુરુવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠક પહેલાં નોબેલ સંસ્થાએ ડ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે એક મેડલના માલિક બદલાઈ શકે છે, પરંતુ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાનું બિરુદ બદલી શકાતું નથી.



