ઉતરાયણ પર્વ ટાણે જ લોહિયાળ હત્યા સાથે વર્ષ 2026માં હત્યાના બનાવની બોણી
ભક્તિનગર પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઉતરાયણના દિવસે જ લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં પ્રેમ સંબંધમાં તિરાડ પડ્યા બાદ પ્રેમિકાએ તેના મિત્ર સાથે મળી યુવકને છરીના 17 જેટલા ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા 2026માં મર્ડરની બોણી થવા પામી છે રાજકોટના સહકાર રોડ બનેલા બનાવ અંગે ભક્તિનગર પોલીસે મૃતકના પિતાની ફરિયાદ પરથી હત્યા અંગે ગુનો નોંધી પ્રેમિકા અને તેના મિત્રને સકંજામાં લઇ આકરી પૂછતાછ હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની વાવડી ગામે રહેતા રમણીકપરી નારણપરી ગૌસ્વામી ઉ.63એ વર્ષા ગઢવી અને તેના મિત્ર દર્શન ઉર્ફે ભૂદેવ સામે રાજકોટમાં રહેતા પુત્ર સાવન ઉ.25ની હત્યા અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ફરસાણની લારી કાઢી વેપાર ધંધો કરું છું. રાત્રીના સમયએ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.) તરીકે ફરજ બજાવું છું. મારા પત્ની સવિતાબેનનું 2010માં અવસાન થયું છે મારે સંતાનમાં ત્રણ દિકરીઓ તથા બે દિકરા છે જેમાં સૌથી મોટી દિકરી અલ્પાબેન જે વડોદરા પાસે કરજણ સાસરે છે. તેનાથી નાની દિકરી નીલમબેન છે જે જામનગરના વંથલીમાં સાસરે રહે છે તેનાથી નાની દિકરી રવિના મારી સાથે રહે છે. તેનાથી નાનો દિકરો સાવન જે રાજકોટમાં રહી અને છુટક મજુરી કામ કરતો હતો. સાવનએ દોઢ-બે વર્ષ પહેલા વર્ષા ગોપાલભાઇ ગઢવી સાથે ઘર માંડયુ હતું તે ઘનશ્યામનગરમાં આ વર્ષા સાથે રહેતો હતો. સાવનથી નાનો દિકરો રોહીત ઉ.23 જે અહી રાજકોટમાં રહી લાદીકામની મજુરી કરે છે સાવન અને વર્ષા બંને લગ્ન વગર પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. છેલ્લા ચારેક મહિનાથી બંનેને મનમેળ ન હોય જેથી બન્ને અલગ-અલગ રહેતા હતા દોઢેક માસ પૂર્વે મને આ વર્ષાનો ફોન આવ્યો હતો અને મને વાત કરી હતી કે તમારા દિકરા સાવનને તમે સમજાવો, મારી સાથે સરખી રીતે રહેતો નથી. મને છરી મારી દીધી છે આમ કહી મને મારા પુત્ર વિરૂધ્ધની વાત કરી હતી આ વાત થયાના એકાદ સપ્તાહ પછી ફોન આવેલ અને પોતે રાજકોટથી દર્શન ભુદેવ બોલે છે તેવી ઓળખાણ આપી દર્શને મને કોઇ મોટી ઉંમરના મહીલા સાથે વાત કરાવી હતી ત્યારે આ મહીલાએ મારી સાથે વાત કરી મને કહેલ કે મારી દિકરી વર્ષાને તમારો દિકરો સાવન બહુ જ હેરાન કરે છે. તેને સમજાવો. તેના થોડા દિવસ પછી ફરી આ દર્શનનો ફોન આવેલ અને જેમ ફાવે તેમ બોલી તમારા દિકરાને સમજાવો વર્ષાનો પીછો છોડી દયે નહીતર ઘોદા મારી દેવા પડશે તેમ કહી ધમકી આપી હતી તે પછી પુત્ર સાવનનો મને બીજા કોઇના નંબરમાંથી ફોન આવેલ અને મને કહેલ કે હું કાલાવડ આવ્યો છુ મારે થોડા રૂપીયાની જરૂરીયાત છે. મેં રૂપીયા નથી તેમ કહેતા સાવન રૂબરૂ મળી શક્યો ન હતો તા.14ના સાંજે મને રાજકોટથી કોઇ પોલીસનો ફોન આવેલ અને મને જાણ કરેલ કે, મારા દિકરા સાવનને રાજકોટમાં સહકાર રોડ ઉપર ગણેશ પાન કોલ્ડ્રીંકસની પાસે છરીના ઘા મારી દીધા છે. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયેલ છે જેથી હું તથા મારા મિત્ર અને ભાગીદાર રાજેશભાઇ બન્ને રાજકોટ આવ્યા હતા ત્યાં મારા દિકરા સાવનને પોસ્ટ મોર્ટમ રૂમ ઉપર લઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું લાશ જોતા મારા દિકરાને શરીરમાં 17 જેટલા ઇજાના નિશાન જોવા મળ્યા હતા સાવનને સાંજે સાવન અને વર્ષા જ્યાં રહેતા હતા ત્યાં દર્શન ઉર્ફે ભુદેવ અને વર્ષાએ મળી છરીના આડેઘડ ઘા મારી હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગે ભક્તિનગર પીઆઇ એમ એમ સરવૈયા, રાઇટર નિલેશભાઈ મકવાણા સહિતે ગુનો નોંધી હત્યામાં સંડોવાયેલ યુવતી સહીત બંનેને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.



