સુરતમાં પતંગની દોરી જીવલેણ બની
વેડ રોડ-અડાજણ બ્રિજ પર પતંગની દોરી બચાવવા જતાં બાઇક પરથી સંતુલન ગુમાવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરત
સુરતમાં ઉત્તરાયણનો તહેવાર એક પરિવાર માટે માતમમાં ફેરવાયો છે. ગઈકાલે સાંજે વેડ રોડ અને અડાજણને જોડતા ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર (જીલાની બ્રિજ) પરથી પસાર થતી વખતે પતંગની દોરીએ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે. આ કરુણ અકસ્માતમાં પિતા અને સાત વર્ષની પુત્રીના 70 ફૂટ નીચે પટકાવવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
મકરસંક્રાંતિના પર્વ પર 35 વર્ષીય રેહાન પોતાની પત્ની રેહાના અને 7 વર્ષની પુત્રી આયેશા સાથે બાઇક પર સુભાષ ગાર્ડન ફરવા જઈ રહ્યો હતો. સાંજના 5 થી 6 વાગ્યાની વચ્ચે જ્યારે તેઓ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક પતંગની દોરી રેહાનના શરીર સાથે અથડાઈ હતી. ગળા કે શરીર પર દોરી ન વાગે તે માટે રેહાને ચાલુ બાઇકે એક હાથે દોરી હટાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં તેણે બાઇક પરથી સંતુલન ગુમાવી દીધું અને વાહન સીધું બ્રિજના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ત્રણેય સભ્યો ઉછળીને બ્રિજ પરથી નીચે ખાબક્યા હતા.
લગભગ 70 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતા રેહાન અને પુત્રી આયેશાને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીના રેલા વહેવા લાગ્યા હતા. બંનેના સ્થળ પર જ શ્વાસ થંભી ગયા હતા. બીજી તરફ, રેહાના નસીબજોગે નીચે પાર્ક કરેલી એક ઓટોરિક્ષા પર પડી હતી. રિક્ષાના કારણે પટકાવાની તીવ્રતા ઘટી જતા તેમનો જીવ બચી ગયો હતો, જોકે તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધ્યો છે. આ ઘટનાએ સુરતીઓમાં શોકની લાગણી જન્માવવાની સાથે પતંગની ઘાતક દોરી અંગે ફરી એકવાર ગંભીર લાલબત્તી ધરી છે.



