કોમન માઇક્રોવેવમાં ભારતીય ભોજન ગરમ કરવા બદલ વિદ્યાર્થીઓનો વંશીય ભેદભાવનો સામનો કરવો પડ્યો
અમેરિકન યુનિવર્સિટી દ્વારા ભારતીય દંપતીને આશરે 1.80 કરોડ રૂપિયાનું વળતર અપાયું
- Advertisement -
યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં Phd કરતાં ભારતીય દંપતીને કડવો અનુભવ થતા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો
યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
માઇક્રોવેવમાં પાલક પનીર ગરમ કરવા બદલ વંશીય ભેદભાવનો સામનો કરનારા એક ભારતીય દંપતીને યુનિવર્સિટી દ્વારા 200000 અમેરિકાન ડોલર (આશરે 1.80 કરોડ રૂપિયા)નું વળતર આપવામાં આવ્યું છે. યુનિવર્સિટી ઓફ કોલોરાડો બોલ્ડરમાં ભારતીય પીએચડી વિદ્યાર્થી આદિત્ય પ્રકાશ અને તેમની પત્ની ઉર્મિ ભટ્ટાચાર્યને આ વળતર આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કોમન માઇક્રોવેવમાં ભારતીય ભોજન ગરમ કરવા બદલ એક સ્ટાફ સભ્ય દ્વારા વિદ્યાર્થીઓનો વંશીય ભેદભાવનો સામનો કર્યો હતો. આ ઘટના બાદ દંપતીએ દાવો કર્યો હતો કે, યુનિવર્સિટીમાં તેમની સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી.
યુનિવર્સિટીએ દંપતીને 200000 અમેરિકન ડોલર ચૂકવવા અને તેમની માસ્ટર ડિગ્રીઓ જાહેર કરવા સંમતિ આપી છે. આ ઘટના 5 સપ્ટેમ્બર, 2023 ના રોજ બની હતી. પ્રકાશ તે સમયે માનવશાસ્ત્ર વિભાગમાં પીએચડી કરી રહ્યો હતો અને યુનિવર્સિટીમાં ફક્ત એક વર્ષ માટે હતો. પ્રકાશે યુનિવર્સિટીના માઇક્રોવેવમાં પાલક પનીર ગરમ કર્યા પછી વિવાદ શરૂ થયો હતો.
ત્યાંથી પસાર થતા એક સ્ટાફ સભ્યએ પ્રકાશને કહ્યું કે, પાલક પનીરની ગંધ અસહ્ય છે, અને તેને કોમન માઇક્રોવેવમાં ગરમ ન કરવું જોઈએ. જવાબમાં પ્રકાશે કહ્યું કે, તે ફક્ત પોતાનું ભોજન ગરમ કરી રહ્યો હતો, અને ગરમ થતા જ ત્યાંથી નીકળી જશે, અને આ સુવિધા દરેક માટે ઉપલબ્ધ છે. જોકે આ ઘટના પછી દંપતીનું કહેવું છે કે, તેમણે વંશીય ભેદભાવ અને અપમાનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, યુનિ.ના અધિકારીઓએ હેરાન કર્યા એટલું જ નહીં તેમની ડિગ્રીઓ પણ રોકી રાખી હતી, તથા પીએચડી કરી રહેલી ઉર્મિને તેના શિક્ષક સહાયક પદ પરથી દૂર કરી દેવામાં આવી હતી. દંપતિએ એવો પણ આરોપ લગાવ્યો કે, અધિકારીઓ અને અન્ય લોકોની ગેરવર્તણૂંકના કારણે ત્યાં કામ કરવું મુશ્ર્કેલ બન્યું હતું.
સમગ્ર મામલે દંપતીએ ફેડરલ કોર્ટમાં યુનિવર્સિટી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, જેમાં વંશીય ભેદભાવનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કોર્ટમાંથી તેમના પક્ષમાં નિર્ણય આવ્યા પછી, યુનિવર્સિટીએ તેમને વળતર આપ્યું છે. જોકે યુનિવર્સિટીએ તેમને ફરીથી ત્યાં પ્રવેશ નહીં આપવાનો પણ નિર્ણય લીધો છે. આ ઘટના પછી ભારત પરત ફરેલા દંપતીનું કહેવું છે કે, તેમને ત્યાં પાછા ફરવામાં કે આવી પરિસ્થિતિનો સામનો કરવામાં કોઈ રસ નથી.



