રખડતાં કૂતરાં મામલે સુપ્રીમ કોર્ટ લાલઘુમ: કડક ટિપ્પણીઓ
કૂતરો કરડવાથી કોઈનું મોત થશે, તો રાજ્યએ વળતર ચૂકવવું પડશે
- Advertisement -
કૂતરાઓમાં વાયરસ, તેનાથી થતી બિમારીની સારવાર નહીં
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે મંગળવારે બાળકો અને વૃદ્ધો પર રખડતાં કૂતરાંના હુમલા અંગે કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એનવી અંજારિયાની બેન્ચે જણાવ્યું હતું કે કૂતરાંમાં એક ચોક્કસ વાઇરસ હોય છે, જેનો કોઈ ઈલાજ નથી. રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કૂતરાંને કરડનારા વાઘ એક અસાધ્ય રોગથી સંક્રમિત હતા. જસ્ટિસ મહેતાએ કહ્યું, જ્યારે કૂતરાં 9 વર્ષના બાળક પર હુમલો કરે છે ત્યારે કોને જવાબદાર ઠેરવવા જોઈએ? શું એમને ખવડાવતી સંસ્થાને જવાબદાર ઠેરવવી જોઈએ? શું આપણે આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવા જોઈએ? કોર્ટે કહ્યું, ‘રખડતાં કૂતરાંને ખવડાવતા કૂતરાપ્રેમીઓએ એક કામ કરવું જોઈએ. કૂતરાઓને ઘરે લઈ જાઓ.’ સુપ્રીમ કોર્ટે કહ્યું, જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખવડાવી રહ્યા છીએ, તો તેમની જવાબદારી નક્કી થવી જોઈએ. કૂતરાઓ જ્યાં-ત્યાં ગંદકી કેમ ફેલાવી રહ્યા છે, કરડી રહ્યા છે અને ડરાવી રહ્યા છે. સરકાર કંઈ કરી રહી નથી. કૂતરા કરડવાથી બાળકો કે વૃદ્ધોના દરેક મૃત્યુ કે ઈજા થવા સામે અમે રાજ્ય સરકાર પર ભારે વળતર લાદીશું.
જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું, દરેક કિસ્સામાં જ્યાં કૂતરાં કરડવાથી બાળકો અથવા વૃદ્ધોનાં મોત થાય છે અથવા ઘાયલ થાય છે, રાજ્ય સરકાર પર ભારે વળતર લાદવામાં આવશે, કારણ કે તેણે કંઈ કર્યું નથી અને જે લોકો કહે છે કે અમે કૂતરાઓને ખવડાવી રહ્યા છીએ તેમને પણ જવાબદાર ઠેરવવામાં આવશે. જો તમને તેમના પર આટલો જ પ્રેમ છે તો તેઓ કૂતરાઓને ઘરે લઈ જાય. એમને લોકોને ડરાવવા અને કરડવા માટે રસ્તાઓ પર કેમ છોડી દેવામાં આવી રહ્યાં છે?
એક એનિમલ વેલફેર ટ્રસ્ટ તરફથી હાજર રહેલા સીનિયર વકીલ વિકાસ સિંહે કહ્યું, “આને પ્રાણી વિરુદ્ધ માનવ મુદ્દો ગણો. 2025માં, 50,000થી વધુ લોકો સાપ કરડવાથી મૃત્યુ પામ્યા હતા.” ઉંદરોને ક્ધટ્રોલ કરવા માટે કૂતરાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇકોસિસ્ટમમાં બેલેન્સ જાળવવું આવશ્ર્યક છે. કરડવું એ કૂતરા સંબંધિત મુદ્દાઓનું માત્ર એક પાસું છે. ઇકોસિસ્ટમમાં તેમની ભૂમિકા ધ્યાનમાં લેવી જોઈએ.
અન્ય એક વકીલ પિંકી આનંદે જણાવ્યું હતું કે, ” કૂતરાઓ લોકો પર હુમલો કર્યો છે, પરંતુ જોગવાઈઓ જણાવે છે કે પ્રાણીઓ સાથે દયાળુ વર્તન કરવું જોઈએ. અમે ટીબી જેવા રોગોને દૂર કરવા માટે એક પોલિસી બનાવી છે.” આપણે ટીબીની પીડિત લોકોને ખતમ કર્યા નથી. આજે આપણી પાસે ફક્ત 77 અઇઈ સેન્ટર છે. જો કૂતરાઓને પાછા લાવવામાં નહીં આવે, તો વધુ હિંસક કૂતરાઓ આવશે. જવાબદારી સ્થાપિત કરવી જ જોઇએ.
સુપ્રીમ કોર્ટમાં બે એનિમલ ટ્રસ્ટનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મેનકા ગુરુસ્વામીએ કહ્યું, આ એક ભાવનાત્મક મામલો છે. આ અંગે જસ્ટિસ મહેતાએ જવાબ આપ્યો, અત્યાર સુધી, એવું લાગે છે કે લાગણીઓ ફક્ત કૂતરાઓ માટે જ છે. ગુરુસ્વામીએ જવાબ આપ્યો, તે સાચું નથી. હું માણસો વિશે પણ એટલી જ ચિંતિત છું. જસ્ટિસ મહેતાએ કહ્યું, આભાર! કૃપા કરીને અમને અધિકારીઓને સવાલ કરવાની મંજૂરી આપો જેથી અમે પ્રક્રિયા શરૂ કરી શકીએ. બધા એક જ વાતનું રટણ કરી રહ્યા છે. અધિકારીઓ પાસેથી જવાબ મેળવવામાં અમને અડધો દિવસ લાગી જાય છે. તેમની નિષ્ક્રિયતાએ સમસ્યાને 1,000 ગણી વધારી દીધી છે. આ કોર્ટ કાર્યવાહીને બદલે જાહેર મંચ બની ગયું છે.



