ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) ની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે.
રાજ્યમાં વર્ગ-3 સંવર્ગની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આગામી 21મી જાન્યુઆરીથી શારીરિક કસોટી શરૂ થઈ જશે. ત્યારે GPRB/202526/1 અન્વયે PSI અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી માટે ઉમેદવારો પોતાનું કોલલેટર 12મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 2 વાગ્યે ડાઉનલોડ કરી શકશે.
- Advertisement -
13,591 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં ખાલી પડેલી PSI અને LRD ની કુલ 13,591 જગ્યાઓ માટે લાખો ઉમેદવારોએ અરજી કરી છે. શારીરિક કસોટી એ આ ભરતી પ્રક્રિયાનો પ્રથમ અને અત્યંત મહત્વનો તબક્કો છે. જે ઉમેદવારો દોડ અને અન્ય શારીરિક માપદંડોમાં પાસ થશે, તેઓ જ લેખિત પરીક્ષા માટે પાત્ર ગણાશે.
ભરતી બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉમેદવારોએ સમયસર કોલલેટર ડાઉનલોડ કરી લેવા અને તેમાં દર્શાવેલા સ્થળ તેમજ સમય મુજબ હાજર રહેવું. પરીક્ષા કેન્દ્ર પર જરૂરી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને કોલલેટરની નકલ સાથે રાખવી અનિવાર્ય છે. ઉમેદવારોએ કોલલેટર ડાઉનલોડ કરવા માટે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવાનું રહેશે.
- Advertisement -
પારદર્શક પ્રક્રિયા પર ભાર
પોલીસ ભરતી બોર્ડ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ શારીરિક કસોટી અત્યંત પારદર્શક રીતે અને ટેકનોલોજીના ઉપયોગ સાથે લેવામાં આવશે. દોડ માટે RFID ચીપનો ઉપયોગ કરવામાં આવશે જેથી સમયની સચોટ નોંધણી થઈ શકે. મેદાનો પર સીસીટીવી કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ઉમેદવારો માટે સૂચના
ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર વેબસાઈટ પરની માહિતીને જ સાચી માનવા અપીલ કરવામાં આવી છે. શારીરિક કસોટી પાસ કરનાર ઉમેદવારો જ આગામી લેખિત પરીક્ષા માટે લાયક ઠરશે.




