પાક રક્ષણ માટેના 56 હથિયાર પરવાનાની સુનાવણી: વધારાના પૈસા માંગનાર સામે ફરિયાદ કરવા અપીલ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
- Advertisement -
ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (જઉખ) એચ.ટી. મકવાણા દ્વારા 8 જાન્યુઆરી, 2026ના રોજ હથિયાર પરવાનાધારકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પાક રક્ષણ હેતુ માટેના હથિયાર પરવાનાના રિન્યુઅલ માટે આવેલી 56 અરજીઓ પર સીધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન નાયબ કલેક્ટરે તમામ પરવાનાધારકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે, આ હથિયારો માત્ર અને માત્ર ખેતીના પાકના રક્ષણ માટે જ ફાળવવામાં આવ્યા છે. તેનો અન્ય કોઈ પણ પ્રકારનો દુરુપયોગ કે કાયદા વિરુદ્ધનું પ્રદર્શન ચલાવી લેવામાં આવશે નહીં. તેમણે પરવાનાધારકોને સરકારના નીતિ-નિયમો અને શરતોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી.
રિન્યુઅલ પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા માટે એચ.ટી. મકવાણાએ જણાવ્યું કે, ત્રણ વર્ષ માટેના રિન્યુઅલની નિયત ફી ₹1,500 છે. જો કોઈ અરજદાર મોડો પડે તો તેને વધારાની ₹1,000 લેટ ફી ચૂકવવાની રહે છે. આ સિવાય અન્ય કોઈ છૂપો ખર્ચ નથી. તેમણે અપીલ કરી હતી કે જો કોઈ વ્યક્તિ આ નક્કી કરેલી ફી સિવાય વધારાના નાણાંની માંગણી કરે, તો તાત્કાલિક નાયબ કલેક્ટર કચેરીનો સંપર્ક કરવો.



