એક વર્ગમાં પ્રોફેસરે વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવીને તેના હાથમાં એક પાણીથી ભરેલો ગ્લાસ આપ્યો અને કહ્યું, તારે આ ગ્લાસને પકડીને ઊભા રહેવાનું છે. વિદ્યાર્થીને આ કામ તો બહુ જ આસાન લાગ્યું એ ગ્લાસ પકડીને ઊભો રહ્યો. થોડો સમય થયો એટલે વિદ્યાર્થીએ કહ્યું, સાહેબ, આ ગ્લાસને પકડી રાખવાથી હવે હાથ થોડો થોડો દુ:ખે છે. પ્રોફેસરે કહ્યું, ભલે દુ:ખે. તું એમ જ પકડી રાખ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ વિદ્યાર્થીની દુખાવાની ફરિયાદ વધતી ગઈ અને એક સમય તો એવો આવ્યો કે સાહેબની મંજૂરી મેળવ્યા વગર જ વિદ્યાર્થીએ ગ્લાસ ધડામ કરતો નીચે મૂકી દીધો. પ્રોફેસરે વિદ્યાર્થીને પૂછ્યું, બેટા, હવે કેવું લાગે છે ? વિદ્યાર્થીએ કહ્યું, અરે સાહેબ, વાત જ કરોમાં. બહુ મોટો ભાર હળવો થયો હોય એમ લાગે છે. બહુ જ રિલેક્સ ફીલ કરું છું. આપણે બધાં પણ આપણા ભૂતકાળની કેટલીક ઘટનાઓને પાણીના ગ્લાસની જેમ પકડી રાખીએ છીએ. એને જેટલી વાર યાદ કરીએ એટલી વાર વધુ ને વધુ દુ:ખી થઈએ છીએ. એ ભૂતકાળની આવી યાદો વર્તમાનનો આનંદ પણ લેવા દેતી નથી. પેલા પાણીના ગ્લાસની જેમ આવી યાદોને પણ છોડતાં શીખીએ તો હળવા થઈ જઈએ. પ્રયોગ થોડો અઘરો છે પણ અશક્ય તો નથી જ. જીવન અને મૃત્યુ, સુખ અને દુ:ખ, પ્રગતિ અને પડતી આ બધાં દ્વંદોને આપણે નિવારી શકીએ એમ નથી. જે બદલી શકાય એમ ન હોય તે સહર્ષ સ્વીકારી લેવું.
ભૂતકાળને ભૂલવાનો આનંદ

Follow US
Find US on Social Medias


