1 જાન્યુઆરીથી નાયબ કલેક્ટરની ટીમ દ્વારા આકસ્મિક દરોડા અને કડક કાર્યવાહી કરાશે: 120 માઇક્રોનથી ઓછું પ્લાસ્ટિક જપ્ત કરી દુકાનો સામે પગલાં લેવાશે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
“સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ મુક્ત ચોટીલા” અભિયાનને વેગ આપવા માટે ચોટીલા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને વેપારીઓ સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વેપારીઓની રજૂઆતને ધ્યાને રાખીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો નિકાલ કરવા માટે 31 ડિસેમ્બર, 2025 સુધીની અંતિમ મુદત આપવામાં આવી છે. 1 જાન્યુઆરી, 2026થી તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
આ વસ્તુઓ પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે કે 120 માઇક્રોનથી ઓછું સિંગલ યુઝ પ્લાસ્ટિક અને થર્મોકોલ વાપરનાર સામે પર્યાવરણ સુરક્ષા અધિનિયમ-1986 હેઠળ ગુનો નોંધાશે. પ્રતિબંધિત યાદીમાં પ્લાસ્ટિકની પ્લેટ, ચમચી, કાંટો, સ્ટ્રો, ઇયરબડ, આઇસક્રીમ સ્ટિક, થર્મોકોલ ડેકોરેશન સામગ્રી, હોટલના ચટણીના પાઉચ અને મીઠાઈના બોક્સ પરની પ્લાસ્ટિક શીટનો સમાવેશ થાય છે. કાયદાકીય જોગવાઈઓ અને દંડ નાયબ કલેક્ટરની ટીમો દ્વારા વર્ષ 2026ના પ્રથમ દિવસથી જ આકસ્મિક દરોડા પાડવામાં આવશે. જો કોઈ વેપારી પાસે પ્રતિબંધિત સામગ્રીનું ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ જોવા મળશે તો તમામ જથ્થો જપ્ત કરી ભારત સરકારના નોટિફિકેશન મુજબ દુકાન સીલ કરવા સુધીના પગલાં લેવામાં આવી શકે છે. વેપારીઓને આ અભિયાનમાં સહકાર આપી ચોટીલાને પર્યાવરણલક્ષી શહેર બનાવવા અપીલ કરવામાં આવી છે.



