વિજય હજારે ટ્રોફી 2025-26ની શરૂઆત ધમાકેદાર રહી છે. પહેલા જ દિવસે 22 ખેલાડીઓએ સદી ફટકારી હતી, જ્યારે એક ખેલાડીએ 200 રનનો આંકડો પણ પાર કર્યો હતો.
બિહારે લિસ્ટ-A ફોર્મેટમાં હાઈએસ્ટ સ્કોર બનાવતા આ ફોર્મેટના ઈતિહાસમાં રનના મામલે બીજી સૌથી મોટી જીત નોંધાવી છે. વૈભવ સૂર્યવંશીએ પોતાના ધમાકેદાર પ્રદર્શનથી બોલરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. વિજય હજારે ટ્રોફીના પહેલા દિવસે એટલા બધા રેકોર્ડ બન્યા કે તે બધા એક જ શ્વાસમાં બતાવવા પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ટોપ-10 રેકોર્ડ વિશે જણાવીશું.
- Advertisement -
22 સદી
વિજય હજારે ટ્રોફી 2025-26ના પહેલા દિવસે કુલ 22 અલગ-અલગ બેટ્સમેનોએ સદી ફટકારી હતી, જે વિજય હજારે ટ્રોફીમાં એક જ દિવસમાં ફટકારવામાં આવેલી સૌથી વધુ સદી છે. આ પહેલા 12 ડિસેમ્બર, 2021 અને 3 જાન્યુઆરી, 2025ના રોજ આ ટુર્નામેન્ટમાં 19 સદી ફટકારવામાં આવી હતી.
574 રનનો વર્લ્ડ રેકોર્ડ
- Advertisement -
બિહારે અરુણાચલ પ્રદેશ સામે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 574 રન બનાવ્યા, જે પુરુષોની લિસ્ટ-A ક્રિકેટમાં કોઈપણ ટીમ દ્વારા એક ઈનિંગમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. આ ફોર્મેટમાં 500થી વધુનો એકમાત્ર બીજો સ્કોર પણ અરુણાચલ પ્રદેશ સામે જ બન્યો હતો, જ્યારે તમિલનાડુએ 2022-23 વિજય હજારે ટ્રોફીમાં તેની સામે 2 વિકેટ પર 506 રન બનાવ્યા હતા.
બીજી તરફ બિહારનો આ સ્કોર તમામ લિસ્ટ-A ક્રિકેટમાં બીજો સૌથી મોટો સ્કોર છે, જે 2007માં શ્રીલંકામાં રમાયેલી મહિલાની ઘરેલુ વન-ડે ટુર્નામેન્ટમાં પુષ્પદાના લેડીઝ સામે કેન્ડીયન લેડીઝ ક્રિકેટ ક્લબના 4 વિકેટ પર 632 રનથી પાછળ છે.
397 રનોથી જીત્યુ બિહાર
બિહારનો અરુણાચલ સામે 397 રનનો વિજય પુરુષોની લિસ્ટ-A ક્રિકેટમાં કોઈપણ ટીમ માટે બીજી સૌથી મોટી જીત છે, જે 2022-23માં અરુણાચલ સામે તમિલનાડુની 435 રનની જીત બાદ બીજા નંબર પર છે.
વૈભવ સૂર્યવંશી લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો
14 વર્ષ 272 દિવસની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ અરુણાચલ પ્રદેશ સામે સદી ફટકારી, જે પુરુષોની લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની ગયો. આ પહેલા સૌથી નાની ઉંમરનો ખેલાડી ઝહૂર ઈલાહી હતો, જેણે 1986માં રેલવે સામે પોતાની બીજી લિસ્ટ-A મેચમાં 15 વર્ષ અને 209 દિવસની ઉંમરે 103 રન બનાવ્યા હતા.
કર્ણાટકનો 413 રનનો ઐતિહાસિર રનચેઝ
અમદાવાદમાં કર્ણાટકે ઝારખંડ સામે 413 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો, જે વિજય હજારે ટ્રોફીમાં સૌથી વધુ છે. આ પહેલા 2011-12માં ગોવા સામે આંધ્રએ 384 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
બોલરોએ 9 ઓવરમાં ખર્ચી નાખ્યા 116 રન
અરુણાચલ પ્રદેશના મિબોમ મોસુએ પોતાની 9 ઓવરમાં 116 રન આપ્યા, જે પુરુષોની લિસ્ટ-A મેચમાં કોઈ બોલર દ્વારા આપવામાં આવેલા સૌથી વધુ રન છે. અગાઉનો રેકોર્ડ નેધરલેન્ડના બાસ ડી લીડેના નામે હતો, જેણે 2023ના વર્લ્ડ કપ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 115 રન આપ્યા હતા.
ખેલાડીએ બેવડી સદી ફટકારી હોવા છતાં ટીમ હારી
ઓડિશાના સ્વાસ્તિક સમાલે સૌરાષ્ટ્ર સામે 212 રનની શાનદાર બેવડી સદી ફટકારી, છતાં તેની ટીમ હારી ગઈ. લિસ્ટ-A ક્રિકેટમાં આ બીજી વાર છે જ્યારે કોઈ ખેલાડીએ બેવડી સદી ફટકાર્યા છતાં તેની ટીમ હારી ગઈ હોય. આ પહેલા બેન ડંકે 2014માં ક્વીન્સલેન્ડ સામે અણનમ 229 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારે પણ તેની ટીમ હારી ગઈ હતી.
એક મેચમાં 6 કેચ પકડીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ત્રિપુરા સામેની મેચમાં કેરળના વિગ્નેશ પુથુરે 6 કેચ પકડી, જેમાં એક કેચ તેણે પોતાની જ બોલિંગ પર પકડી. તે હવે પુરુષોની લિસ્ટ-A મેચમાં 6 કેચ પકડનાર પ્રથમ ફિલ્ડર બની ગયો છે.
32 બોલમાં સદી
બિહારના સાકિબુલ ગનીએ 32 બોલમાં સદી ફટકારી હતી, જે પુરુષોની લિસ્ટ-A ક્રિકેટમાં કોઈ ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી છે. અગાઉ સૌથી ઝડપી સદી અનમોલપ્રીત સિંહે 2024માં અરુણાચલ સામે જ 35 બોલમાં ફટકારી હતી.
વૈભવ સૂર્યવંશીએ એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો
વૈભવ સૂર્યવંશીએ 150 રનનો આંકડો પાર કરવા માટે 59 બોલ લીધા હતા, જે પુરુષોની લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન છે. સૂર્યવંશીએ દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 2015ના વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા.




