ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં મતદારોના નામ ઉમેરવા અને વાંધા અરજીઓના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ આગામી તા.27, 28 ડિસેમ્બર અને તા.3 તથા 4 જાન્યુઆરી 2026ના રોજ જિલ્લાના તમામ મતદાન મથકો પર ખાસ કેમ્પ યોજાશે.
તાજેતરમાં તા.19/12/2025ના રોજ પ્રસિદ્ધ થયેલી ડ્રાફ્ટ મતદારયાદીમાં કુલ 11,49,395 મતદારો નોંધાયા છે, જ્યારે મૃત્યુ અથવા સ્થળાંતર જેવા કારણોસર 1,50,949 નામો દૂર કરાયા છે. આ યાદીમાં જેમના નામ કમી થયા હોય તેવા નાગરિકો તા.18/01/2026 સુધીમાં ફોર્મ નં.6 ભરી પુન: નોંધણી કરાવી શકશે.
વર્ષ 2002ની યાદી સાથે મેપિંગ ન થયેલા 70,483 મતદારોને નોટિસ આપવામાં આવશે. આવા મતદારોએ કેમ્પ દરમિયાન બીએલઓને જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે, અન્યથા તા.17/02/2026ની આખરી યાદીમાં નામ કમી થઈ શકે છે. નામ કે ઉંમરમાં વિસંગતતા હોય તેવા કિસ્સામાં પણ પુરાવા જમા કરાવી શકાશે. મતદારોની સુવિધા માટે કલેક્ટર કચેરી, મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે ખાસ ’હેલ્પડેસ્ક’ શરૂ કરવામાં આવી છે. જ્યાંથી ફોર્મ 6, 7 અને 8 મેળવી શકાશે તથા મતદારયાદી સંબંધિત માર્ગદર્શન પ્રાપ્ત થશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ લાયક મતદારોને આ ઝુંબેશનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.



