કર્ણાટક શૈલીમાં બનેલી મૂર્તિ સોના-ચાંદી અને હીરાથી જડિત, અંદાજે 500 ઊંલ વજન
ખાસ-ખબર ન્યૂઝ અયોધ્યા
- Advertisement -
અયોધ્યામાં રામલલ્લા મંદિર કેમ્પસમાં જલદી એક ખૂબ જ ભવ્ય અને કીમતી પ્રતિમા સ્થાપિત થવાની છે. સોનાની ચમકવાળી આ પ્રતિમામાં હીરા-પન્ના અને ઘણાં રત્નો જડેલાં છે. એને કર્ણાટકના એક અજાણ્યા ભક્તે દાન કરી છે. મંગળવારે સાંજે પ્રતિમા કર્ણાટકથી અયોધ્યા લાવવામાં આવી. પ્રતિમા 10 ફૂટ ઊંચી અને 8 ફૂટ પહોળી છે. અંદાજિત કિંમત 25થી 30 કરોડ છે. નિર્માણ દક્ષિણ ભારતની શિલ્પકલાથી કરવામાં આવ્યું છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ડો. અનિલ મિશ્રાએ જણાવ્યું- પ્રતિમા કોણે મોકલી છે, હજુ સુધી એની જાણ થઈ નથી.એેનું વજન કરાવવામાં આવી રહ્યું છે, જોકે અનુમાન છે કે 5 ક્વિન્ટલ વજનની પ્રતિમા હશે. જલદી જ સંપૂર્ણ વિગતો શેર કરવામાં આવશે. આ પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર પાસે અંગદ ટીલા પર સ્થાપિત કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. એેની સ્થાપના પહેલાં એનું અનાવરણ કરવામાં આવશે. અનાવરણ પછી પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ થશે, જેમાં દેશભરના સંતો અને મહંતોને બોલાવવામાં આવશે.
કર્ણાટકથી અયોધ્યા સ્પેશિયલ વાન દ્વારા 6 દિવસમાં મૂર્તિ પહોંચી
કર્ણાટકથી અયોધ્યાનું અંતર 1,750 કિમી છે. પ્રતિમાને સ્પેશિયલ વાનથી લાવવામાં આવી. મંગળવારની સાંજે 3:30 વાગ્યે પ્રતિમા રામમંદિર પરિસરમાં લાવવામાં આવી. પરિસરમાં જ એને ખોલવામાં આવી છે. એને અયોધ્યા લાવવામાં 5થી 6 દિવસ લાગ્યા. સૂત્રો અનુસાર, આ પ્રતિમાને કર્ણાટકના કેટલાક શ્રદ્ધાળુઓએ સંયુક્ત રીતે તૈયાર કરાવી છે. નિર્માણકાર્યમાં તંજાવુરના કુશળ અને અનુભવી કારીગરોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે, જેમણે એને અત્યંત કલાત્મક અને આકર્ષક સ્વરૂપ આપ્યું છે. પ્રતિમા રત્ન અને સુવર્ણ જડિત છે. ધાતુનો પ્રકાર જાણી શકાયો નથી. આ પ્રતિમા રામ જન્મભૂમિમાં સ્થાપિત રામલલ્લાની નવનિર્મિત મૂર્તિની હૂબહૂ નકલ છે. એમાં સોનાની સાથે હીરા, પન્ના, નીલમ જેવા કીમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી એની ભવ્યતા અને આધ્યાત્મિક ગરિમા વધુ વધી ગઈ છે.
નોંધનીય છે કે, પંચાંગ અનુસાર, આ વર્ષે રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની બીજી વર્ષગાંઠ 31 ડિસેમ્બરે ઊજવવામાં આવશે. અંગદ ટીલા પરિસરમાં પ્રતિષ્ઠા દ્વાદશીના તમામ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો 29 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 સુધી ચાલશે.



