અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ ‘કિલ્લોલ’ ખાતે યોજાયો મેગા કેમ્પ: નિષ્ણાત તબીબો દ્વારા ઇખઉ ટેસ્ટ, ફિઝિયોથેરાપી અને દવાઓનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કંડારેલી સેવાકીય કેડી પર આગળ વધતા પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર રોડ પર આવેલ કિલ્લોલ ભવન ખાતે એક વિશાળ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાડકાના રોગો, વા-સંધિવા અને સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાતા દર્દીઓ માટે યોજાયેલા આ કેમ્પમાં કુલ 525 નાગરિકોએ નિદાન અને સારવારનો લાભ લીધો હતો.
શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં દર્દીઓને નિ:શુલ્ક દવાઓ અને એક અઠવાડિયાની ફિઝિયોથેરાપી સારવાર પણ આપવામાં આવી હતી. કેમ્પની વિગતવાર માહિતી નીચે મુજબ છે: વા-સંધિવા: 53 દર્દીઓ, હાડકાના દર્દો: 220 દર્દીઓળ, ઇખઉ (બોન ડેન્સિટી) ટેસ્ટ: 91 દર્દીઓ, ફિઝિયોથેરાપી માર્ગદર્શન: 161 દર્દીઓ.
કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડો. કેતન ઠક્કર, રૂમેટોલોજિસ્ટ ડો. મનીષ બાવળીયા અને નેશનલ લેવલના ફિઝિયોથેરાપીસ્ટ ડો. અર્જુન સિંહ રાણા સહિતના ખ્યાતનામ તબીબોએ સેવા આપી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ડો. કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, વધતા આયુષ્યની સાથે હાડકાનો ઘસારો અનિવાર્ય છે, પરંતુ યોગ્ય જીવનશૈલી અને કસરત દ્વારા “પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર” સૂત્ર અપનાવીને આ રોગોથી બચી શકાય છે. ડો. મનીષ બાવળીયાએ વા-સંધિવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને ટ્રસ્ટના સેવાકાર્યોની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે અંજલીબેન રૂપાણી, રોટરી ક્લબના પ્રેસિડેન્ટ જીગ્નેશ કામદાર, ડો. જતીન મોદી અને ડો. જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા.
ડો. જૈમન ઉપાધ્યાયે ટ્રસ્ટની પ્રવૃત્તિઓ વિશે વિગતે વાત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય મહાનુભવો દ્વારા કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટી ડો. મેહુલભાઈ રૂપાણી, મહેશભાઈ ભટ્ટ તથા ટીમ દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું. આભારવિધિ ડો. નયન શાહ દ્વારા કરવામાં આવી હતી.
સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પૂજિત રૂપાણી ટ્રસ્ટના ડોક્ટરો, વહીવટી અધિકારી ભાવિન ભટ્ટ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.



