BCCI U19 એશિયા કપમાં ભારતના તાજેતરના પ્રદર્શનની સમીક્ષા કરવા માટે તૈયાર છે, જ્યાં ટીમ પાકિસ્તાન સામે ફાઇનલમાં હારી ગઈ હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ અંડર-19 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાનના હાથે ભારતને મળેલી 191 રનની શરમજનક હારને ખૂબ જ ગંભીરતાથી લીધી છે. ટુર્નામેન્ટની ફાઈનલ સુધી અજેય રહેલી ભારતીય ટીમની ફાઈનલમાં કારમી હાર બોર્ડ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. 22 ડિસેમ્બર સોમવારના રોજ યોજાયેલી ઓનલાઈન એપેક્સ કાઉન્સિલની બેઠકમાં એ નિર્ણય લેવામાં આવ્યો કે, આ વખતે બોર્ડ માત્ર ટીમ મેનેજરના લેખિત રિપોર્ટ પર નિર્ભર નહીં રહેશે. BCCIએ સામાન્ય સમીક્ષા પ્રક્રિયાથી આગળ વધીને હેડ કોચ ઋષિકેશ કાનિટકર અને કેપ્ટન આયુષ મ્હાત્રે સાથે સીધી વાતચીત કરવાનો અને આ પ્રદર્શન પર સ્પષ્ટતા માગવાનો નિર્ણય લીધો છે.
- Advertisement -
ફાઈનલ મેચમાં ભારતીય ટીમનું પતન
દુબઈમાં રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાનની ટીમ દરેક વિભાગમાં ભારત પર ભારે પડી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને સમીર મિન્હાજની 172 રનની શાનદાર ઈનિંગના દમ પર 347/8 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ પડકારજનક લક્ષ્યનો પીછો કરતા ભારતીય બેટ્સમેનો તાશના પત્તાની જેમ વિખેરાઈ ગયા. ટુર્નામેન્ટની શરૂઆતમાં 171 રન બનાવનાર વૈભવ સૂર્યવંશી માત્ર 26 રન બનાવી શક્યો હતો, જ્યારે IPL સ્ટાર અને કેપ્ટન આયુષ મ્હાત્રે માત્ર 2 રન બનાવીને આઉટ થઈ ગયો. પાકિસ્તાનના ફાસ્ટ બોલરોએ સટીક લાઈન-લેન્થ સાથે બોલિંગ કરીને ભારતને 156 રનમાં ઓલઆઉટ કરી દીધું અને ટાઈટલ પર કબજો કર્યો.
સામાન્ય સમીક્ષાથી હટીને બોર્ડની નવી વ્યૂહરચના
- Advertisement -
એક અહેવાલ પ્રમાણે BCCIનું આકડક વલણ દર્શાવે છે કે તેઓ ભવિષ્યના પડકારો અંગે કોઈ નરમાઈ દેખાડવા નથી માગતા. સામાન્ય રીતે ટુર્નામેન્ટ પછી ઔપચારિક રિપોર્ટ સોંપવામાં આવે છે, પરંતુ કોચ અને કેપ્ટન સાથે સીધી ચર્ચા કરવાની યોજના એ સંકેત આપે છે કે, બોર્ડ હારના મૂળ કારણોમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા માગે છે. આ બેઠકમાં ન માત્ર ટેકનિકલ ખામીઓની જ ચર્ચા નહીં થશે પરંતુ મેદાન પરની એ ક્ષણોની પણ તપાસ કરવામાં આવશે જેના કારણે ભારતીય અને પાકિસ્તાની ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે, આચારણ અંગે હજું પણ કંઈ સ્પષ્ટ નથી, પરંતુ બોર્ડ શિસ્ત અને પ્રદર્શન બંનેને પ્રાથમિકતા આપી રહ્યું છે.
અંડર-19 વર્લ્ડ કપ 2026ની તૈયારી અને સુધારા
આ સમીક્ષા પ્રક્રિયા એટલા પણ મહત્ત્તવપૂર્ણ છે કારણ કે, આ ટીમ જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026માં યોજાનાર અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમ તૈયારી કરી રહી છે. એશિયા કપમાં મળેલી આ કારમી હાર ટીમ એક ‘વેક-અપ કૉલ’ સમાન છે. કેપ્ટન આયુષ મ્હાત્રેએ હાર બાદ સ્વીકાર્યું કે, બોલિંગ લાઈન-અપમાં કેટલીક ખામીઓ હતી અને ટીમ પોતાની 50-ઓવર રમવાની યોજનાને લાગુ કરવામાં નિષ્ફળ રહી. BCCIનો આ હસ્તક્ષેપ યુવા ખેલાડીઓને તેમની જવાબદારીથી વાકેફ કરાવવા અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટ પહેલા માનસિક અને તકનીકી રીતે ટીમને મજબૂત બનાવવા માટે એક સકારાત્મક પગલા તરીકે જોવામાં આવી રહ્યું છે.




