મત્સ્યોદ્યોગ ક્ષેત્રમાં સમયાનુકૂળ પરિવર્તન કરી વિકાસની કડીમાં સહભાગી બનાવવો છે: કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણી
મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.20
મત્સ્યોદ્યોગ ભારતના અર્થતંત્રનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ ક્ષેત્રનો પૂર્ણ કક્ષાએ વિકાસ કરી કઈ રીતે ભારતની જી.ડી.પી.માં તેમનો હિસ્સો વધારી શકાય તે અંગેનું મનોમંથન કરવા માટે સોમનાથ ખાતે ’ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય સ્તરનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં મત્સ્યોદ્યોગને ટકાઉ અને સર્વસમાવેશક બનાવવા માટે સંશોધન અને ટેક્નોલોજીના સમન્વય સાથે પ્રોત્સાહન આપવા ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન અને મત્સ્યોદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ખાતે આવેલા સાગરદર્શન અતિથીગૃહ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલા મત્સ્યોદ્યોગ ક્ષેત્રની વિકાસ સંભાવનાઓને પારખીને તેનો રોડમાર્ગ કંડાર્યો હતો. તે દિશામાં મત્સ્યોદ્યોગ ક્ષેત્રને આપણે સમયાનુકૂળ પરિવર્તન કરી ભારતની વિકાસ કડીમાં સહભાગી બનાવવો છે.
મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ આપણે દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ધરાવીએ છીએ તેનો પૂર્ણકક્ષાએ ઉપયોગ કરવા તેમજ દરિયાઈ ક્ષમતાઓને ઓળખી આગળ વધવા માટેની શુભકામનાઓ પાઠવી હતી.
ગ્રીટ (ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન)ના સી.ઈ.ઓ અને એક્ઝિક્યૂટિવ કમિટિના ચેરપર્સન શ્રી એસ.અપર્ણાએ જણાવ્યું હતું કે, ટકાઉતા, ઉત્પાદકતા અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આપણે માછીમારોના જીવનધોરણમાં પણ બદલાવ આવે એ પ્રમાણે કાર્ય કરવું છે, તે સાથે માછીમારી પદ્ધતિઓ, મૂલ્યવર્ધન, કોલ્ડચેઈન વ્યવસ્થા, પ્રોસેસિંગ અને નિકાસની તકો અંગેની જાણકારી મેળવી મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસનો રાહ કંડારવો છે.
તેમણે રોકાણ, માળખાકીય સુવિધાઓ અને નાવિન્યકરણ સંશાધનો દ્વારા તેમાં વધારો થઈ શકે છે તેમ જણાવી શિક્ષણ, નિપુણતા અને સંશોધનની જરૂૂરિયાત વર્ણવી હતી. તેમણે ડેરીકલ્ચર અને હોર્ટિકલ્ચર ક્ષેત્રે જે રીતે આપણે વિકાસ કરી શક્યાં છીએ, તે જ રીતે મરિન ફિશિંગ અને એક્વાકલ્ચરમાં પણ અપાર સંભાવનાઓ છે. તેનો આપણે વિકાસ કરવો છે. તેમણે મત્સ્યોદ્યોગના પ્રશ્ર્નો નહી પણ આ ક્ષેત્ર રાજ્ય અને દેશના વિકાસમાં કઈ રીતે પ્રદાન કરી શકે તેનું મનોમંથન આજના સત્રમાં કરવાનું છે. વિકાસ માટે ઉત્પાદનને ટકાવી રાખવાનું છે તે સાથે પર્યાવરણને પણ ધ્યાનમાં રાખવાની જરૂૂરિયાત તેમણે વર્ણવી હતી



