ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
મેંદરડા ખાતે મધુવંતી નદીના કાંઠે આવેલ હિન્દુ સ્મશાન ભૂમિની સુરક્ષા અને સુવિધા માટે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરે રૂ. 33 લાખના વિકાસ કામોની મંજૂરી આપી ગ્રામજનોને મોટી ભેટ આપી છે.
ચોમાસામાં ભારે વરસાદ અને નદીના પૂરને કારણે સ્મશાન ભૂમિની સંરક્ષણ દિવાલ તૂટી ગઈ હતી. આ બાબતે સ્મશાન સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવતા પ્રમુખ હરેશભાઈ ઠુંમરે તાત્કાલિક નોંધ લીધી હતી. તેમણે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગમાંથી 28 લાખ રૂપિયાના ખર્ચે એક મીટરથી પણ વધુ પહોળી અને મજબૂત આર.સી.સી. દિવાલ બનાવવાનું કામ મંજૂર કરાવ્યું છે. આ ઉપરાંત, સ્મશાન ભૂમિમાં લાકડા રાખવા માટેના ’બળતણ રૂમ’ (સર્પણ રૂમ) માટે વધારાની 5 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી છે. જિલ્લા પંચાયત પ્રમુખની મેંદરડા પ્રત્યેની આ સેવાકીય ભાવનાને બિરદાવતા સ્મશાન ભૂમિ સમિતિ અને ગ્રામજનોએ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ દિવાલના નિર્માણથી હવે સ્મશાન ભૂમિને નદીના પાણીના ધોવાણથી કાયમી સુરક્ષા મળશે જયારે ઉપસ્થિત ગ્રામજનો તથા હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો.



