રાજ્યના વીજ વિભાગના એન્જીનિયર્સ એસોસિએશનના 6 હાજર ઈજનેર જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
- Advertisement -
જૂનાગઢમાં આગામી તા.27 અને 28ના ગુજરાત વીજ વિભાગના એન્જીનિયર્સ એશો.નું અધિવેશન યોજાશે, જેમાં રાજયભરના 6 હજાર જેટલા ઈજનેરો પરિવાર સાથે ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં ત્રિ-વાર્ષિક સમયની કોર કમિટીની રચના કરવામાં આવશે. હાલ આ અધિવેશન માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જૂનાગઢના જૂના બાયપાસ રોડ પર આવેલા સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની જગ્યામાં ગુજરાત વીજ વિભાગના એન્જીનિયર્સ એસોસિએશનનાં 27મા અધિવેશનમાં સચિવ, જીયુવીએનએલના એમ.ડી. અને સંલગ્ન કંપનીઓના એમ.ડી. ઉપસ્થિત રહેશે. આ અંગે જીબીઆના જનરલ સેક્રેટરી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે તા.27ના જીબીઆ મેમ્બર અને અધિકારીઓ મેનેજિંગ કમિટીને મળશે, જેમાં જીબીઆને લગતા ઠરાવ પસાર કરવામાં આવશે. રાત્રીના ભોજન બાદ સંગીત સંધ્યા તેમજ તા. 28ના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી સહિતના મહાનુભાવોની સેન્ટ્રલ ઉપસ્થિતિમાં જીબીઆ કોર બોડીનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ જીબીઆ બોડી મીટિંગ તેમજ કામગીરીની ચર્ચા તેમજ જીબીઆ બંધારણને લગતા સુધારા વધારા અંગે ઠરાવ થશે. બાદમાં મેનેજિંગ કમિટીના સભ્ય અને રાજ્યભરની વીજ કંપનીમાંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોની ચૂંટણી પ્રક્રિયા થશે અને ચૂંટણી અધિકારી પરિણામ જાહેર કરશે. ચૂંટાયેલા ઉમેદવાર 2028 સુધી જીબીઆનું નેતૃત્વ કરશે. પીજીવીસીએલના અધિકારીઓની બનેલી કમિટી દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.



