છેલ્લા છ મહિનાથી બ્રિજ બંધ કરાયું પરંતુ સમારકામની કામગીરી શરૂ નથી થઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
ધ્રાંગધ્રાથી રામકથા તરફ જવાના માર્ગ પર આવેલા જર્જરીત બ્રિજને તંત્ર દ્વારા છ મહિના પૂર્વે બંધ કરવામાં આવ્યો છે. પરંતુ તંત્ર આ બ્રિજને બંધ કરી બાદમાં ભૂલી ગયું હોય તે પ્રકારે હજુ સુધી બ્રિજનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરી નથી.
વડોદરા ખાતે બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જર્જરિત બ્રિજ પરની અવર જવર બંધ કરવાનો આદેશ આપતા તમામ જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યા હતા જેમાં ધ્રાંગધ્રાથી કુડા તરફ જવા માટે આવતા કેનાલ પરના બ્રિજને પણ તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો હતો.
જ્યારે બ્રિજ બંધ થવાના લીધે ધ્રાંગધ્રા તાલુકાના કુડા, કોપરણી, એજાર, નિમકનગર, વિરેન્દ્રગઢ, સત્તાપર સહિત આધારે આઠ ગામોના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર દ્વારા બ્રિજ બંધ કરી કેનાલના રસ્તેથી ડાઇવર્જન આપવામાં આવ્યું છે જોકે આ ડાઇવર્જન પણ બિસ્માર હોવાથી ગ્રામ્ય વિસ્તારના ખાનગી વાહનો બ્રિજ પાસે આવતા તમામ પેસેન્જરોને વહન પર નીચે ઊતરીને આશરે બે કિલોમીટર સુધી બ્રિજ પર કરી પગપાળા જવું પડે છે.
આ તરફ બ્રિજ બંધ હોવાના લીધે રણકાંઠા આઠ ગામના દર્દીઓ અને પ્રસૂતા મહિલાઓને તાત્કાલિક સારવાર આપવા માટે ભારે મુશ્કેલી પડે છે તેવામાં તંત્ર દ્વારા છેલ્લા છ મહિનાથી જર્જરિત બ્રિજને બંધ કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી બીજને સમારકામ અથવા તો નિર્માણ કરવાનું કામ શરૂ કરાયું નથી જેથી છેવાડાના તમામ ગામના રહીશો દ્વારા ભારે હાલાકી ભોગવતા હવે જર્જરિત બ્રિજને પર પોતાના જોખમે પસાર થતા નજરે પડે છે સાથે જ સ્થાનિકો દ્વારા છ મહિનાથી બંધ રાખેલા બ્રિજનું તાત્કાલિક ધોરણે સમારકામ કરી ફરીથી શરૂ કરવા ઉગ્ર માંગ પણ કરી છે.



