ખાખરાળી કોલસાની લીઝ અને વેલાળા ગામે ગેરકાયદે ખાણો પર દરોડા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
થાનગઢ પંથકમાં ધમધોકાર ચાલતા કોલસાના ખનન પર તંત્ર આળશ મરડીને કાર્યવાહી શરૂ કરી છે. ભડુલા ખાતે મામલતદારની ટીમ પર ખનિજ માફિયાઓના હુમલા બાદ હવે તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખનિજ માફિયાઓની જેમ વિફર્યા હોય તેવું સ્પટપણે ચિત્ર સામે આવ્યું છે જેમાં હુમલાની ઘટના બાદ હવે દરરોજ એક પછી એક કોલસાની ખાણો પર પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દરોડા કરી રહ્યા છે તેવામાં શુક્રવારે દિવસ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા ખાખરાળી ગામે કોલસાની લીઝની ચકાસણી કરી હતી જે દરમિયાન માત્ર કહેવા પૂરતી લીઝ રાખી સરકારી લીઝના મોટાભાગે નિયમોનો ઉલાળિયો નજરે પડ્યો હતો જેને લઈ પ્રાંત અધિકારી દ્વારા ખાખરાળી ગામે ચાલતી ત્રણ કોલસાની લીઝો નિયમોના ભંગ બદલ બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ થાનગઢ મામલતદાર સહિતની ટીમ દ્વારા વેલાળા ગામની સીમમાં સરકારી જમીન પર ચાલતા ગેરકાયદેસર કોમળાની ખાણો પર દરોડા કરી કુલ 10 કોલસાની ખાણો પરથી 3 ટ્રેક્ટર, 1 ડમ્પર, 2 જનરેટર, 8 ચારખી તથા 60 ટન કોલસાના જથ્થા સહિત 55 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરી તમામ મુદામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો સાથે જ સરકારી જમીન પર ગેરકાયદેસર કોલસાની ખાણો ચલાવતા ખનિજ માફીયાઓ સામે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.
મૃતકોના નામે ચાલતી કોલસાની લીઝ
થાનગઢ તાલુકાના ખાખરાળી ગામે સર્વે નંબર 109/1 પૈકી પર ચાલતી શંકરભાઈ કાનાભાઈ કોળીનું વર્ષ 2014માં તથા સર્વે નંબર 78/1 પૈકી પર ચાલતી ડાયાભાઈ ભીખાભાઈ જાદવનુ વર્ષ 2020માં અવસાન થવા છતાં કોલસાની લીઝો યથાવત રાખી રોયલ્ટી વેચાણ કરતા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે સર્વે નંબર 75/1/1/1/2 પૈકી વાળી જમીન પર ચાલતી લક્ષ્મણભાઈ ભોપાભાઈ ભરવાડની લીઝ પર સરકારી નિયમોનું ઉલંઘન થતા લીઝની મંજૂરી રદ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.



