માલિયાસણ ટોલનાકા સામે ફરી વિરોધનો સૂર : ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરો મેદાને
ચાર વર્ષથી રજૂઆતો, છતાં ઉકેલ શૂન્ય, માલિયાસણ ટોલનાકું મુદ્દે જનઆક્રોશ
- Advertisement -
એરપોર્ટ પહેલાં ટોલનાકું! એ ‘બુદ્ધિનું પ્રદર્શન’ : મુસાફરો માટે મુશ્કેલી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ નજીક માલિયાસણ પાસે રહેલું ટોલનાકું હાલમાં જ વિવાદના વંટોળમાં ઘેરાયું છે. એરપોર્ટ પહેલાં જ ટોલનાકું મૂકવાની યોજનાને લઈ સ્થાનિકો, ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આકરા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. લોકો ખુલ્લેઆમ આ આયોજનને બુદ્ધિનું પ્રદર્શન ગણાવી રહ્યા છે અને ભવિષ્યમાં આ ટોલનાકું ટ્રાફિક માટે મોટું માથાનો દુખાવો બનશે તેવી ચેતવણી આપી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે દૈનિક 50 હજારથી વધુ ભારે વાહનો અહીંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં ટોલનાકું કાર્યરત થતા જ ભયંકર ટ્રાફિકજામ સર્જાશે, જેની સીધી અસર એરપોર્ટ તરફ જતા મુસાફરો, એમ્બ્યુલન્સ તથા જરૂરી સેવાઓ પર પડશે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આખો વિસ્તાર અસ્તવ્યસ્ત બનવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વધુમાં, શહેરમાં નવી ટીપી સ્કીમો અને નવા વૈકલ્પિક રસ્તાઓ અમલી બન્યા બાદ આ ટોલનાકું અર્થહીન સાબિત થશે તેમ જાણકારો માને છે. છતાં, આગોતરા આયોજન અને ટ્રાફિક સર્વે વગર જ ટોલનાકું નક્કી કરાયું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે એરપોર્ટ અને ટોલનાકાંના બંને પ્રોજેક્ટમાં જમીન કપાતનો પ્રશ્ન હજુ સુધી ઉકેલાયો નથી. વળતર સ્વીકારવા ઇચ્છુક ન હોય તેવા ખેડૂતોની કિંમતી જમીન દબાણમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. હાઈ-વે તરફની જમીન કપાતમાં જતાં ખેડૂતોની ખેતી અને ભવિષ્ય બંને સામે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ મામલે જિલ્લા કલેક્ટરથી લઈ પ્રાંત અધિકારી સુધી લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં છેલ્લા ચાર વર્ષથી કોઈ સ્પષ્ટ ઉકેલ આવ્યો નથી. ખેડૂતોએ સાંસદ, ધારાસભ્ય અને કમિશનરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પ્રશ્ન યથાવત રહેતા હવે અમે કોને રજૂઆત કરીએ? એવો પ્રશ્ન ખેડૂતો ખુલ્લેઆમ પુછી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વેપારી એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને સામાન્ય જનતાએ આ સ્થળે ટોલનાકું બનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. હવે ફરી એકવાર વિરોધ ઉગ્ર બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જો સમયસર યોગ્ય નિર્ણય નહીં લેવાય તો માલિયાસણ ટોલનાકું વિવાદ અને ટ્રાફિક સંકટનું કેન્દ્ર બની શકે તેવી ચર્ચાઓ ઉઠી છે.
- Advertisement -
નવી ટીપી સ્કીમો અને સિક્સલેન વચ્ચે માલિયાસણ ટોલનાકું બનશે બિનજરૂરી
રાજકોટ-અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય બનાવવા માટે રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (છઞઉઅ) દ્વારા તારીખ 7-6-2019ના ઠરાવ નં. 1809 મુજબ જમીન સંપાદનની પ્રક્રિયા આગળ વધારવામાં આવી છે. વિકાસ યોજના-2031 અનુસાર હાલના 45 મીટર હાઈવેને વિસ્તૃત કરી રાજકોટ મહાનગરપાલિકાની હદથી માલીયાસણ ગામ સુધી 50 મીટર અને ત્યારબાદ સત્તા મંડળની કાર્યક્ષેત્રની હદ સુધી 75 મીટર ટી.પી. રોડ તરીકે સૂચિત કરવામાં આવ્યો છે. આમ નવી ટીપી સ્કીમો વચ્ચે માલિયાસણ ટોલનાકું બનશે બિનજરૂરી.



