મસમોટા ખાડાઓ અને પથ્થરોથી વાહનચાલકો પરેશાન; તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો મળતા આંદોલનની ચીમકી
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
પાલિતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ-રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ખાસ કરીને રંડોળાથી પીપરડી, ભૂંડરખા અને ઢુંઢસર ગામોને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી પથ્થરો અને ખાડાઓમાં ફેરવાઈ ગયો છે. આ બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકોને વાહનોમાં નુકસાની અને શારીરિક પીડા વેઠવી પડી રહી છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ જેવા ઈમરજન્સી વાહનોને પહોંચવામાં પણ વિલંબ થઈ રહ્યો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે, અનેકવાર મામલતદાર અને લોક પ્રતિનિધિઓને રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે. સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે રોડનું સમારકામ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વિકાસની વાતો વચ્ચે પાયાની સુવિધાના અભાવે પંથકના લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.



