પુત્ર શાહિદ રફી નાદુરસ્ત તબિયત છતાં મુંબઈથી પધાર્યા; મધરાત સુધી સુરક્ષિત રહી જનતાએ માણી સંગીત સંધ્યા; ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ સાથે કલાકારને અપાયું સન્માન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય સિનેજગતના અમર ગાયક સ્વ. મોહમ્મદ રફી સાહેબના 100મા જન્મ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં ‘મોહમ્મદ રફી તુમ બહોત યાદ આયે’ શીર્ષક હેઠળ એક ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. બિગ ટ્રી વિઝન મેનેજમેન્ટ અને ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કલાપ્રેમી રાજકોટવાસીઓએ ઉમળકાભેર હાજરી આપી હતી, જેના કારણે હોલ સંપૂર્ણ ‘હાઉસફુલ’ રહ્યો હતો.
શાહિદ રફીનું કલા પ્રત્યે અપ્રતિમ સમર્પણ: રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર રફી સાહેબના સુપુત્ર શાહિદ રફી ખાસ મુંબઈથી પધાર્યા હતા. નોંધનીય છે કે, કાર્યક્રમની આગલી રાત્રે તેમની તબિયત લથડી હોવા છતાં, ડોક્ટરોની મનાઈ અને ઇન્જેક્શન-ગ્લુકોઝના ટેકે પણ તેમણે પિતાના સંસ્કારોને ઉજાગર કરતા સ્ટેજ પર હાજરી આપી હતી. શાહિદ રફીએ મધરાત સુધી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા, અને જનતાનો ઉત્સાહ જોઈ નિર્ધારિત ગીતો કરતાં વધુ પ્રસ્તુતિ આપી હતી.
દેશભક્તિ અને શ્રદ્ધાંજલિનો સંગમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં રફી સાહેબના જન્મ શતાબ્દી વર્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે ભાવનાને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનો સૂર ‘દેશભક્તિ’ રાખવામાં આવ્યો હતો. ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે રફી સાહેબને ‘ઈશ્વરના દેવદૂત’ ગણાવી બિરદાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને પણ તેમની છ માસિક પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ: આ ઐતિહાસિક ક્ષણે ઋષભભાઈ રૂપાણી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ઉઈઙ હેતલબેન પટેલ સહિતના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે નાદુરસ્ત તબિયત હોવા છતાં રાજકોટના આંગણે પધારેલા શાહિદ રફીને સમગ્ર ઓડિયન્સે ઊભા થઈને તાળીઓના ગડગડાટ સાથે ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ આપ્યું હતું. વિજયભાઈ કારિયા અને તેમની ટીમ દ્વારા તૈયાર કરાયેલી આ સંગીત સંધ્યા રાજકોટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે.



