ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ માટે મંત્રીનું કડક વલણ; બીમારી છતાં કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
- Advertisement -
મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાએ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતાનો મજબૂત દાખલો બેસાડ્યો છે. ઉમા ટાઉનશિપ ખાતે આયોજિત કાર્યકર્તા અભિનંદન સમારોહમાં તેમણે કાર્યકરોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોઈપણ કામ માટે દલાલોને સાથે રાખવા નહીં અને સીધો સંપર્ક કરવો જેથી વહીવટમાં પારદર્શિતા જળવાય.
બીમારી સામે લડત અને જનસેવા મંત્રી અમૃતિયા હાલમાં અન્નનળીના કેન્સરની સારવાર મુંબઈ ખાતે લઈ રહ્યા છે. આગામી બે મહિના તેઓ રૂબરૂ મુલાકાત આપી શકશે નહીં, તેમ છતાં તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, “હું બીમાર છું, મારો કાર્યકર્તા બીમાર નથી.” તેમણે ખાતરી આપી હતી કે મોરબી અને ગાંધીનગર સ્થિત તેમની ઓફિસો સતત કાર્યરત રહેશે જેથી પ્રજાના કામ અટકે નહીં.
નબળા કામો કરનાર કોન્ટ્રાક્ટરોને ચેતવણી વિકાસકામો બાબતે કડક વલણ અપનાવતા મંત્રીએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં ટૂંક સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં ₹800 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. હળવદ અને વાંકાનેરમાં નબળા કામો બદલ અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે અને નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



