ભારતીય ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરતા દક્ષિણ આફ્રિકા સામેની 5 મેચની T20 સીરિઝ કબજે કરી લીધી છે. સીરિઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મહત્ત્વની મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 231 રનનો મોટો સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શકી હતી. જેને લઈને ભારતે આજની મેચમાં 30 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે.
કેપ્ટન સૂર્યાનું બેટિંગ પ્રદર્શન અત્યંત નિરાશાજનક
- Advertisement -
ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે પોતાના ઘરેલૂ મેદાન પર T20 સીરિઝ ભલે 3-1થી જીતી લીધી છે પરંતુ ‘મેન ઈન બ્લૂ’ની કેટલીક સમસ્યાઓ ઓછી નથી થઈ. સૌથી ચિંતાજનક બાબત કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ છે. આ વર્ષે કેપ્ટન સૂર્યાનું બેટિંગ પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે, તે એક પણ અડધી સદી નથી ફટકારી શક્યો. 35 વર્ષીય સૂર્યકુમાર એક સમયે ICC T20 બેટિંગ રેન્કિંગમાં નંબર-1 પર હતો, પરંતુ હવે તે આઉટ ઓફ ટચ નજર આવી રહ્યો છે.
ખરાબ ફોર્મ સામે ઝઝૂમતાં સૂર્યકુમાર યાદવનું મોટું નિવેદન
વર્ષ 2025માં સૂર્યકુમાર યાદવનું T20 ઈન્ટરનેશનલમાં 13.62ની એવરેજ રહી હતી, જે તેની કારકિર્દીનો અત્યાર સુધીનો સૌથી ખરાબ સમય માનવામાં આવી રહ્યો છે. 19 ડિસેમ્બરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા સામે પાંચમી અને છેલ્લી T20 મેચમાં ભારતની જીત બાદ સૂર્યકુમાર યાદવે પોતાના ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે, ‘હું મજબૂત કમબેક કરીશ.’ કેપ્ટન સૂર્યાએ પોતાની ટીમના બેટ્સમેન અને બોલરોની પ્રશંસા કરી.
- Advertisement -
સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘સીરિઝની શરૂઆતથી જ અમારું ફોકસ એક ખાસ પ્રકારની ક્રિકેટ રમવા પર હતું અને અમે તેને જ વળગી રહેવાનું નક્કી કર્યું. અમે કંઈ અલગ કરવાનો પ્રયાસ ન કર્યો. અમે દરેક વિભાગમાં પોતાને ખુલીને એક્સપ્રેસ કરવા માગતા હતા અને પરિણામો બધાની સામે છે. છેલ્લી કેટલીક સીરિઝમાં અમારી પાસે કદાચ આનો જ અભાવ હતો. અમે આવી જ રીતે બેટિંગ કરવા માગતા હતા. એકવાર કોઈ બેટ્સમેન સેટ થઈ જાય, તો પછી તે અટકવો ન જોઈએ. અમને આ જ સતત આક્રમક ઈરાદાની જરૂર હતી, અને આજે તે શાનદાર રીતે દેખાયું.’
સૂર્યકુમાર યાદવે આગળ કહ્યું કે, ‘અમે બોલિંગમાં પણ પ્લાન કંઈખ અલગ પ્લાન બનાવ્યો હતો. પાવરપ્લેમાં બુમરાહ પાસે એક ઓવર કરાવવી, ડ્રિંક્સ બ્રેક પછી મિડલ ઓવર્સને કંટ્રોલ કરવા અને પછી ડેથ ઓવર્સ માટે તેને તૈયાર રાખવાની રણનીતિ હતી. વોશિંગ્ટન સુંદરે શાનદાર જવાબદારી નિભાવી અને તક સમયે આગળ આવ્યો. મેચ દરમિયાન અમે થોડા સમય માટે દબાણમાં હતા અને પડકારો પણ હતા. પરંતુ ક્રિકેટ એ વાતનો ખેલ છે કે તમે પરિસ્થિતિનો જવાબ કેવી રીતે આપો છો અને ખેલાડીઓએ શાનદાર જવાબ આપ્યો.’
ખોવાઈ ગયો છે પણ કમબેમ મજબૂત હશે
સૂર્યકુમાર યાદવે કહ્યું કે, ‘આ સીરિઝ પડકારજનક રહી, પરંતુ ખૂબ જ સારી પણ હતી. અમે લગભગ બધું જ હાંસલ કર્યું જે અમે ઈચ્છતા હતા. કદાચ એકમાત્ર વસ્તુ જે અમે સંપૂર્ણ રીતે ન કરી શક્યા, તે હતી સૂર્યકુમાર યાદવને બેટ્સમેન તરીકે શોધવો. એવું લાગે છે કે, તે ક્યાંક ખોવાઈ ગયો છે. પરંતુ મને વિશ્વાસ છે કે તે વધુ મજબૂત કમબેક કરશે. એક ટીમ તરીકે હું ખૂબ ખુશ છું. જ્યારે પણ અમે મુશ્કેલીમાં મૂકાયા ત્યારે કોઈને કોઈ ખેલાડીએ જવાબદારી લીધી અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી. કેપ્ટન તરીકે આનાથી વધુ સંતોષકારક બાબત શું હોઈ શકે?’
વર્ષ 2025માં સૂર્યકુમારનું ફ્લોપ પ્રદર્શન
સૂર્યકુમાર યાદવનો 2025માં T20I ઈન્ટરનેશનલનો સર્વોચ્ચ સ્કોર અણનમ 47 રન હતો, જે તેણે સપ્ટેમ્બરમાં એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં બનાવ્યો હતો. આ વર્ષે તેનો સ્ટ્રાઈક રેટ પણ 117.87 હતો, જે T20Iમાં પ્રભાવશાળી માનવામાં આવતો નથી. આ વર્ષે સૂર્યકુમારે 21 મેચોમાં 19 ઈનિંગ્સમાં માત્ર 218 રન બનાવ્યા છે. સૂર્યકુમાર તેની છેલ્લી 22 ઈનિંગ્સમાં 50 રન પણ નથી બનાવી શક્યો. જોકે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે સૂર્યકુમારનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું, જ્યાં તેણે 717 રન ફટકાર્યા હતા. સૂર્યા ભારત માટે T20Iમાં તેના IPL ફોર્મનું પુનરાવર્તન ન કરી શક્યો.




