LatestLY પર ભારત પર નવીનતમ લેખો અને વાર્તાઓ મેળવો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રીંઝા ગામમાં સાબરમતી નદી પર રૂ. 110 કરોડમાં નવો પુલ બનાવવાની મંજૂરી આપી છે.
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.
- Advertisement -
ગ્રામજનોની શું હતી સમસ્યા?
તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં આ ગામોના લોકો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા અને ઘણીવાર સંપર્કવિહોણા થઈ જતા હતા. આ વિકટ પરિસ્થિતિ અંગે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
110 કરોડના પ્રોજેક્ટમાં શું સામેલ છે?
- Advertisement -
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની આ રજૂઆત મંજૂર કરી છે. જેમાં રૂ. 110 કરોડની આ માતબર રકમમાં પુલ સહિત અન્ય આનુષંગિક વિકાસ કાર્યોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર ટુ-લેન (બે માર્ગીય) બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રિજ સુધી પહોંચવા માટે પથ રેખા પર 4 કિલોમીટરનો નવો રસ્તો પણ બનાવવામાં આવશે. ફાળવવામાં આવેલા ભંડોળમાં જમીન સંપાદન, બાંધકામ પહેલાં જરૂરી હાઇડ્રોલિક સરવે, સોઇલ ઈન્વેસ્ટિગેશન (માટી પરીક્ષણ) અને ડિઝાઇનિંગ (આલેખન) જેવી તમામ પ્રવૃત્તિઓના સંભવિત ખર્ચને આવરી લેવામાં આવ્યો છે.
પુલ બનવાથી શું ફાયદો થશે?
આ નવા પુલનું બાંધકામ પૂર્ણ થતાં જ ચોમાસા દરમિયાન સંપર્કવિહોણા થઈ જતા ગામોની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિવારણ આવી જશે. આ પુલ સ્થાનિક વાહન વ્યવહારને સરળ બનાવશે અને ખેત ઉદ્યોગને નવો વેગ આપશે. આખરે, આ પ્રોજેક્ટ ગ્રામજનોના ‘ઈઝ ઑફ લિવિંગ’માં વધારો કરી તેમના માટે આશિર્વાદરૂપ સાબિત થશે.




