તોષાખાના એ કેબિનેટ વિભાગ હેઠળનો એક વિભાગ છે જે અન્ય સરકારોના વડાઓ અને વિદેશી મહાનુભાવો દ્વારા શાસકો અને સરકારી અધિકારીઓને આપવામાં આવતી ભેટોનો સંગ્રહ કરે છે.
પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના એક કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને મોટો ઝટકો લાગે તેવો ચુકાદો આવ્યો છે. ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) ની વિશેષ કોર્ટે તોશાખાના-2 ભ્રષ્ટાચાર કેસમાં બંનેને 17-17 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે ઈમરાન ખાન અને બુશરા બીબીને આ મામલે દોષિત ઠેરવતા સજાની જાહેરાત કરી હતી.
- Advertisement -
શું છે મામલો?
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે આ મામલો 2021 નો છે જ્યારે સાઉદી અરબના રાજકુમાર ઈમરાન ખાનને એક કિંમતી બુલ્ગારી જ્વલેરી સેટ ભેટમાં આપી ગયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ઘરેણાની વાસ્તવિક કિંમત 7 કરોડ 15 લાખ પાકિસ્તાની રૂપિયા કરતા વધારે હતી પણ તેને ફક્ત 58 લાખ રૂપિયામાં ખરીદી નિયમોનું ઉલ્લંઘન કરાયું. કોર્ટે તેને સરકારી વિશ્વાસ સાથે દગો અને ભ્રષ્ટાચાર ગણાવ્યો.
કયા કયા ગુના હેઠળ સજા?
- Advertisement -
કોર્ટના ચુકાદા મુજબ ઈમરાન ખાનને ગુનાહિત વિશ્વાસઘાત હેઠળ 10 વર્ષ અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બુશરા બીબીને સમાન ધારાઓમાં કુલ 17 વર્ષની સજા આપી છે. આ ઉપરાંત બંને પર 1 કરોડ 64 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ચૂકવવાની સ્થિતિમાં વધારાની જેલની સજા પણ ભોગવવી પડશે.
અગાઉ પણ જુદા કેસમાં સજા થઈ હતી
અદિયાલા જેલમાં બનાવાયેલી વિશેષ કોર્ટના સ્પેશિયલ જજ શાહરુખ અરજુમંદે આ ચુકાદો સંભળાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2023થી ઈમરાન ખાન જેલમાં કેદ છે. અગાઉ જાન્યુઆરી 2025 માં અલ કાદિર ટ્રસ્ટ મામલે ઈમરાન ખાનને 14 વર્ષ અને બુશરા બીબીને 7 વર્ષની સજા પહેલા પણ સંભળાવાઈ હતી.




