જૂનાગઢ જિલ્લો હવે પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ
સાસણ બાદ હવે ગિરનાર નેચર સફારી બન્યું આકર્ષણનું કેન્દ્ર
- Advertisement -
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ: સૌરાષ્ટ્રના પ્રવાસન ઉદ્યોગને મળશે નવી ગતિ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
ઐતિહાસિક વિરાસત ધરોહરને સાચવીને બેઠેલા જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા કિર્તિમાન કંડાર્યાં છે. મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જૂનાગઢ જિલ્લા એ છેલ્લા થોડા વર્ષો દરમિયાન પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ ભરી છે. જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે. જૂનાગઢ જિલ્લામાં એશિયાટિક સિંહો માટેની એક માત્ર નિવાસ્થાન ધરાવતું ગીર અભયારણ્ય, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, વિશાળ દરિયાકાંઠો, પૌરાણિક દેવસ્થાનો પ્રવાસીઓને શ્રદ્ધાળુઓને આકર્ષે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવે છે. જૂનાગઢ જિલ્લામા પ્રવાસન હબ તરીકે વિકસવા માટેની વિપુલ તકો રહેલી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ સિંહદર્શન માટે સાસણ અને દેવળીયા ઉમટે છે. પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો વિસ્તરી છે. પ્રતિ વર્ષ વિશ્વના 40 જેટલા દેશો તેમજ સમગ્ર ભારતમાંથી 9 લાખ જેટલા સહેલાણીઓ ગુજરાતનું ગૈારવ એવા સિંહ, ગીરના જંગલમાં પ્રકૃતિના અલૈાકીક સૈાર્દયને માણવા આવે છે. ઉપરકોટ ખાતે જાન્યુઆરી મહિનાથી નવેમ્બર 2025 સુધીમાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જયારે ગિરનાર રોપ-વેમાં વર્ષ 2025 દરમિયાન 4 લાખ થી વધુ પ્રવાસીઓએ સફર કરી માં અંબાના દર્શન કર્યા છે. સાસણ બાદ હવે જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શનની સુવિધા રાજય સરકાર દ્વારા વર્ષ 2021 થી ઉભી કરવામાં આવી છે. સાસણની માફક ગિરનારમાં પણ સિંહ દર્શન શરુ કરવામાં આવતા જૂનાગઢની યશ કલગીમાં વધુ એક નજરાણું ઉમેરાયું છે. ગિરનારમાં આશરે 54 થી વધુ સિંહોનો વસવાટ છે, ત્યારે અહી સિંહ દર્શન માટે ઇન્દ્રેશ્વર થાણાથી, જાંબુડી થાણા થઈને પાતુરણ થાણા સુધીના 26 કિલોમીટરના રૂટ સિંહ દર્શન માટે નક્કી કરવામાં આવ્યો છે. વર્ષ 2025 દરમિયાન 2975 જેટલા પ્રવાસીઓએ સિંહ દર્શન ની સુવિધાનો લાભ લીધો છે. આગામી સમયમાં સાસણ ખાતે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ટુરિસ્ટ ફેસીલીટેશન સેન્ટર રૂ. 4.15 કરોડના ખર્ચે થનાર છે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ચોરવાડ બીચના ડેવલપમેન્ટ માટે રૂપિયા 4 કરોડ જેટલા ખર્ચે વિકાસ કાર્યો થનાર છે. જૂનાગઢ ખાતે આવેલ સકરબાગ સંગ્રહાલયનું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે.આ ઉપરાંત જૂનાગઢ મહાનગરપાલિકા હસ્તકના નરસિંહ મહેતા તળાવ બ્યુટીફિકેશનની કામગીરી પણ 95 ટકા પૂર્ણ કરવામાં આવી છે. ગિરનારના દરવાજા પાસેના વાઘેશ્વરી તળાવના બ્યુટીફિકેશનનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. જેથી ગિરનાર- ભવનાથ આવનારા યાત્રિકો- સહેલાણીઓને આકર્ષક પર્યટન સ્થળની ભેટ મળશે. આમ, જિલ્લામાં અન્ય આંતર માળખાકીય સુવિધાઓની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જે પૂર્ણ થતા પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ મળશે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા એમ ચાર સ્થળોએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરી રહી છે. મહેસાણામાં રિજનલ કોન્ફરન્સની સફળતા બાદ હવે ગુજરાત સરકાર રાજકોટ ખાતે બીજી કોન્ફરન્સ યોજાનાર છે. જાન્યુઆરી મહિનામાં રાજકોટ ખાતે યોજાનાર કોન્ફરન્સના માધ્યમથી જૂનાગઢ જિલ્લા ઉપરાંત સૈારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં રહેલી પ્રવાસન ઉધોગની ક્ષમતા ઉજાગર થશે. તેમજ સ્થાનિક તકો અને પહેલોને ઉજાગર કરવામાં આવશે.



