તમિલનાડુની 30 વર્ષ જૂની હેરિટેજ બ્રાન્ડ ‘ઉધયમ’ હવે રિલાયન્સ હેઠળ; કઠોળ અને ચોખાના માર્કેટમાં કંપનીની પકડ વધુ મજબૂત બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની ’રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ’ (છઈઙક) એ દક્ષિણ ભારતની જાણીતી ફૂડ કંપની ’ઉધયમ એગ્રો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ’માં બહુમતી હિસ્સો હાંસલ કર્યો છે. આ સંયુક્ત સાહસ કરાર હેઠળ હવે રિલાયન્સ મુખ્ય માલિકી ધરાવશે, જ્યારે ઉધયમના મૂળ પ્રમોટર્સ લઘુમતી હિસ્સો ધરાવશે. આ સોદાથી તમિલનાડુની પ્રતિષ્ઠિત હેરિટેજ બ્રાન્ડ ’ઉધયમ’ હવે રિલાયન્સના પોર્ટફોલિયોનો ભાગ બની છે.
ત્રણ દાયકાથી વધુનો સમૃદ્ધ વારસો ધરાવતી ઉધયમ બ્રાન્ડ ચોખા, કઠોળ, મસાલા, સ્નેક્સ અને ઇડલીના ખીરા જેવી ખાદ્ય ચીજવસ્તુઓ માટે સમગ્ર તમિલનાડુમાં ઘરગથ્થુ નામ છે. રિલાયન્સ ક્ધઝ્યુમર પ્રોડક્ટ્સના ડાયરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે, “ઉધયમ એ શ્રેષ્ઠ ગુણવત્તાનું પ્રતિક છે. આ ભાગીદારીથી અમે બ્રાન્ડેડ સ્ટેપલ્સ (મુખ્ય આહાર) ક્ષેત્રમાં અમારી હાજરી મજબૂત કરીશું અને ઉધયમને રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરીશું.”
ઉધયમ એગ્રો ફૂડ્સના મેનેજિંગ ડાયરેક્ટર એસ. સુધાકરે આ જોડાણને નવી તકો ગણાવતા કહ્યું કે, રિલાયન્સના વિશાળ નેટવર્ક સાથે જોડાવાથી આ બ્રાન્ડ હવે વિવિધ ભૌગોલિક ક્ષેત્રોના ગ્રાહકો સુધી પહોંચશે. હસ્તાંતરણ પછી પણ મૂળ પ્રમોટર્સ એસ. સુધાકર અને એસ. દિનકર કંપની સાથે જોડાયેલા રહેશે અને તેમના 30 વર્ષના અનુભવનો લાભ વિકાસના આગામી તબક્કામાં આપશે. રિલાયન્સનો ઉદ્દેશ્ય લાખો ભારતીય ગ્રાહકોને પોષાય તેવી કિંમતે વૈશ્વિક ગુણવત્તાયુક્ત આહાર પૂરો પાડવાનો છે.



