બંને પાસે સ્ટ્રોંગ રૂમનાં લોકરની ચાવી રહેતી હોવાથી જવાબદારી ફિક્સ કરી ગુનો નોંધાયો : 7 અધિકારીઓનો એફએસએલ ટેસ્ટ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી ઈન્ડિયન બેન્કના સ્ટ્રોંગ રૂમમાંથી ગોલ્ડ લોન પેટે આવેલા 64.29 લાખની કિંમતના સોનાના દાગીનાના બે પેકેટ ભેદી રીતે ગાયબ થઈ જતા અંતે ગઈકાલે મૂળ બિહારના હાલ મોટા મવા કોઝી કોર્ટ યાર્ડમાં રહેતા અને બેન્કમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ઘનશ્યામકુમાર વિનોદાનંદ ઝાએ બેન્કના આસિસ્ટન્ટ બ્રાંચ મેનેજર શ્રુતિ દિવાકર શખારે અને આસિસ્ટન્ટ મેનેજર વિષ્ણુ નારાયણ ઇલાયથ વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું છે કે ગત માર્ચ મહિનામાં મુંબઈથી ઇન્સ્પેકેશન આવ્યું હતું ત્યારે સોનાના દાગીનાના 47 પાઉચમાંથી 2 પાઉચ ગાયબ હતાં. જેથી આ અંગે બેન્ક મેનેજર ગૌરીશંકર સામંતરાયએ તપાસ કરીહતી. પરંતુ બંને પાઉચ નહીં મળતા મુંબઈ ખાતેની હેડ ઓફિસને જાણ કરવામાં આવી હતી જે બે પાઉચ ગુમ થયા હતા તે સંગીતાબેન શ્યામભાઈ શાહ અને શ્યામભાઈ મધુભાઈ શાહના હતા બંને આરોપીઓ પાસે સ્ટ્રોંગ રૂમની ચાવી રહેતી હતી. બંને આરોપીઓ પાસેની ચાવીથી જ લોક ખૂલે છે. બંને આરોપીઓમાંથી એક આરોપી રજા પર હોય ત્યારે તેની ચાવી બીજા જવાબદાર અધિકારી પાસે રહે છે. આ રીતે સ્ટ્રોંગ રૂમની અંદર રહેલા કેશ સેઈફમાં પડેલા ગોલ્ડ લોકરની ચાવી બંને આરોપીઓ પાસે રહેતી હોવાથી તેમની મુખ્ય જવાબદારી હતી.
આ સ્થિતિમાં બંને આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે કહ્યું કે તેમની ચાવી કોઈએ લીધી હશે, જેની તેમને જાણ નથી. ત્યાર પછી આરોપી શ્રુતિબેન ગઇ તા.31 જાન્યુઆરી 2025થી તા.16 ફેબ્રુઆરી 2025 સુધી રજા પર ઉતરી ગયા હતા ત્યારે તેનો ચાર્જ અને ચાવી આરોપી વિષ્ણુભાઈ પાસે હતો આ રીતે બંને આરોપીઓની જવાબદારી ફિક્સ કરી ફરિયાદ નોંધાવવામાં આવી છે આ પહેલા એ ડીવીઝન પોલીસ જાણવાજોગ નોંધના આધારે તપાસ કરતી હતી પરંતુ બંને પાઉચની કોણે ચોરી કરી તે વિશે કોઇ માહિતી મળી ન હતી આખરે પોલીસે બંને આરોપીઓ ઉપરાંત બેન્કના સંબંધિત પાંચેક અધિકારીઓ મળી કુલ સાતના ગાંધીનગર સ્થિત એફએસએલ ખાતે ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું જે થાય તે પહેલાં ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે જણાવ્યું કે એફએસએલમાં રાબેતા મુજબ જરૂરી ટેસ્ટ કરાવાશે.



