આ કાર્યવાહીથી કુલ 2000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી
રૈયા સ્મશાન પાછળ અંદાજે 1200 મીટર જમીન પર ઉભી કરાયેલી ડોગ હોસ્ટેલ પણ દૂર કરવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના રૈયા ગામ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા મોટા પાયે ગેરકાયદે દબાણો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ અંદાજિત 2000 ચોરસ મીટર જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજે 20 કરોડ થાય છે.
મળતી માહિતી મુજબ રૈયા ગામે સરકારી માલિકીની જમીન પર પશુઓ રાખવા માટેના સ્લોપ, ડોગ હોસ્ટેલ તેમજ ખજૂરનું કારખાનું ગેરકાયદે ઊભું કરવામાં આવ્યું હતું. આ બાબત વહીવટી તંત્રના ધ્યાને આવતા જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના આદેશથી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરની સૂચના અને પ્રાંત અધિકારી ડો. સી.એમ. પરમારના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ મામલતદાર અને તેમની ટીમ દ્વારા બુલડોઝર ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. રૈયા ગામ પાસે આવેલ ફાઇનલ પ્લોટ પર એક ભરવાડ દ્વારા પશુઓ બાંધવા માટે બનાવવામાં આવેલ આશરે 400 ચોરસ મીટરના સ્લોપને તોડી પાડવામાં આવ્યો હતો.
તેમજ રૈયા સ્મશાન પાછળ સરકારી માલિકીની અંદાજે 1200 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે ઉભી કરાયેલી ડોગ હોસ્ટેલ પણ દૂર કરવામાં આવી હતી.
આ ઉપરાંત શીતલ પાર્ક ચોકડીથી રૈયાધાર તરફ જતા શાસ્ત્રીનગર વિસ્તારમાં આશરે 400 ચોરસ મીટર સરકારી જમીન પર બનેલા ખજૂરના કારખાનાને પણ બુલડોઝર ફેરવી હટાવવામાં આવ્યું હતું.
વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી કુલ 2000 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભવિષ્યમાં પણ સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.



