વૈશ્વિક અર્થતંત્રના મહત્વના કેન્દ્ર ગણાતા જાપાનની સેન્ટ્રલ બેંક (Bank of Japan)એ વધતી જતી મોંઘવારીના દબાણને રોકવા માટે વ્યાજદરમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે બેન્ચમાર્ક વ્યાજદરમાં 0.25% નો વધારો કરીને તેને 0.75% પર પહોંચાડી દીધો છે. આ વધારા સાથે જાપાનમાં વ્યાજદર છેલ્લા 30 વર્ષના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગયા છે.
‘ઝીરો’ વ્યાજનો યુગ સમાપ્ત
- Advertisement -
જાપાનના ગવર્નર કાઝુઓ ઉએદાના નેતૃત્વમાં લેવાયેલા આ નિર્ણયથી જાપાનમાં દાયકાઓથી ચાલી આવતી ‘ઝીરો પર્સન્ટ’ વ્યાજની નીતિનો અંત આવ્યો છે. અત્યાર સુધી જાપાનમાં લોન લેવી અત્યંત સસ્તી હતી, પરંતુ હવે ઉધાર લેવાની પડતર કિંમતમાં વધારો થશે. આ નિર્ણય વર્ષ 1995 પછીનો સૌથી મોટો નીતિગત ફેરફાર માનવામાં આવે છે.
શા માટે લેવાયો આ નિર્ણય?
જાપાનની નવી સરકાર અને વડાપ્રધાન સનાએ તાકાઈચી દેશમાં વધી રહેલી મોંઘવારી (Inflation) ને કાબૂમાં લેવા માટે પ્રયત્નશીલ છે. નિષ્ણાતો અગાઉથી જ અનુમાન લગાવી રહ્યા હતા કે ટૂંકા ગાળાના વ્યાજદરોમાં વધારો કરવામાં આવશે. આ પગલાથી જાપાની કરન્સી ‘યેન’ મજબૂત થઈ શકે છે, પરંતુ તેની અસર ગ્લોબલ માર્કેટ પર પણ જોવા મળશે.
- Advertisement -
બજારો પર શું થશે અસર?
જાપાનના આ નિર્ણયની સીધી અસર ક્રિપ્ટોકરન્સી માર્કેટથી લઈને ભારત સહિત વિશ્વભરના શેરબજારો પર જોવા મળી શકે છે. સામાન્ય રીતે જાપાનમાં વ્યાજદર વધે ત્યારે વૈશ્વિક સ્તરે ‘કેરી ટ્રેડ’ (Carry Trade) પ્રભાવિત થાય છે, જેના કારણે વિદેશી બજારોમાં વેચવાલી જોવા મળી શકે છે. ગવર્નર કાઝુઓ ઉએદા આજે બપોરે એક પ્રેસ કોન્ફરન્સ યોજશે, જેમાં તેઓ આ ઐતિહાસિક વધારા પાછળના કારણો અને ભવિષ્યની રણનીતિ અંગે વધુ સ્પષ્ટતા કરશે.




