પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન,બેંક ખાતાઓની વિગતો સહિત મહત્વપૂર્ણ પુરાવાઓ કબજે કર્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
તાલાલામાં બેંક એકાઉન્ટ ભાડે આપી ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડ ની કથિત પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોને તાલાલ પોલીસે ઝડપી લેતા ભારે ચકચાર ફેલાયેલ છે.
તાલાલા પોલીસમાં નોંધાયેલ ગુનાની વિગત પ્રમાણે ગીર સોમનાથ જિલ્લા એસ.પી.જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જિલ્લા સાયબર ક્રાઇમ પી.આઈ.શ્રી એસ.વી.રાજપુતે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સમન્વય પોર્ટલ ઉપર આવેલ ફરીયાદો ના એનાલીસીસ નાં આધારે તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેંકોમાં ચોરીની રકમ(સાયબર ફ્રોડ)ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયેલ તેવા બેન્ક એકાઉન્ટ ની તપાસ કરી હતી જેના અંતર્ગત તાલાલા શાખાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નાં એકાઉન્ટ નં.42350893070 માં સાયબર ફ્રોડની રકમ રૂ.4 લાખ 20 હજાર નું ટ્રાન્ઝેક્શન ટ્રાન્સફર થયાનું તથા આર્થિક ફાયદા માટે બેન્ક એકાઉન્ટ ગેરકાયદેસર ભાડે આપી નાણાં ટ્રાન્સફર કરાવી કમિશન મેળવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
જેની તાલાલા પી.આઈ.જે.એન.ગઢવીએ પોલીસ અને સાયબર ક્રાઇમ ના સ્ટાફે ટેકનીકલ એનાલીસીસ નાં આધારે તપાસ કરી એકાઉન્ટ ધારકને શોધી તેમની પૂછપરછ કરતા તેમના એકાઉન્ટમાં (ચોરીની રકમ)સાયબર ફ્રોડ ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયું હતું અને તેનું કમિશન મેળવતાં હોવાનું ફલિત થતાં પોલીસે રાહુલ ભનુભાઈ મારુ ઉ.વ.28,પિયુષ મહીપતભાઈ માંકડીયા ઉ.વ.26 રે.બંને ધણેજ ગીર,હિરેન હરસુખ ભુવા ઉર્ફે.ચોટી ઉ.વ.25 રે.ઝાંઝરડા(જુનાગઢ) વાળા સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 317(2),317(4),61(2) મુજબ ગુનો દાખલ કરી ત્રણેય આરોપીની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન,બેન્ક ખાતાઓની વિગતો સહિત મહત્વપૂર્ણ પુરાવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવથી તાલાલા વિસ્તારમાં ભારે ચકચાર ફેલાયેલ છે.



