વહેલી સવારે ચાચાવદરડા ગામ નજીક અજાણ્યા વાહને હડફેટે લીધા: બનાસકાંઠા અને કાક્ચેચીના શ્રદ્ધાળુઓના મોતથી અરેરાટી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.17
- Advertisement -
બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા. રાત્રિરોકાણ બાદ સંઘ આગળ વધતાં બુધવારની સવાર તેમના માટે કાળમુખી સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને પદયાત્રીઓના સંઘને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને દિયોદર તાલુકાના શ્રદ્ધાળુઓનો એક સંઘ ગત 11 ડિસેમ્બરના રોજ નવા દિયોદરથી પગપાળા દ્વારકા જવા રવાના થયો હતો. મંગળવારે રાત્રે આ સંઘે માળિયાના સરવડ ગામ પાસે આવેલા સાપેશ્વર મહાદેવ મંદિરે વિશ્રામ કર્યો હતો. આજે વહેલી સવારે 5 થી 6 વાગ્યાના અરસામાં સંઘે ફરી પદયાત્રા શરૂ કરી હતી. સંઘ જ્યારે ચાચાવદરડા ગામના પાટિયા પાસેના પેટ્રોલ પંપ નજીકથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે કાળ બનીને આવેલા એક અજાણ્યા વાહને પાંચ પદયાત્રીઓને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે પદયાત્રીઓના શરીરના ફંગોળાઈ જવાને કારણે ચારેયના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. હાઈવે પર લોહીલુહાણ હાલતમાં લાશોના ઢગલા જોઈને પસાર થતા વાહનચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતમાં 50
વર્ષીય નરસંગભાઇ ચૌધરી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતા જ માળિયા-મિયાણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક હળવો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહનચાલકને ઝડપી પાડવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને નાકાબંધીના આધારે તપાસ તેજ કરી છે.
દુર્ઘટનાના સમાચાર મળતા જ ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરીયા મોરબી સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તેમણે ઇજાગ્રસ્તોની પૂછપરછ કરી સાંત્વના આપી હતી અને મૃતદેહોને સન્માનપૂર્વક તેમના વતન બનાસકાંઠા મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરી આપી હતી. દ્વારકા પહોંચતા પહેલા જ શ્રદ્ધાળુઓના કાળમુખા અકસ્માતમાં મોતથી બનાસકાંઠા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દુર્ઘટનામાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ
દિલીપભાઈ રયાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
- Advertisement -
હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉં.વ. 28, રહે. અધગામ, દિયોદર)
ભગવાનભાઈ લાલભાઈ ચૌધરી (ઉં.વ. 65, રહે. નવા દિયોદર)
અમરાભાઇ લાલાભાઇ ચૌધરી (ઉં.વ. 62, રહે. નાના દિયોદર)



