ખાસ-ખબર ન્યૂઝ અફઘાનિસ્તાન, તા.17
ભૂખ સંકટ અંગે કામ કરતી અગ્રણી આંતરરાષ્ટ્રીય સંસ્થા અને સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય સહાયતા એજન્સીએ અફઘાનિસ્તાનની ભયાનક સ્થિતિ અંગે લાલબત્તી ધરી છે. આવનારા ઠંડા મહિનાઓમાં અફઘાનિસ્તાનની જનતા માટે જીવ બચાવવો મુશ્ર્કેલ બનશે કારણ કે 1.7 કરોડથી વધુ લોકો ખાદ્ય અસુરક્ષાના ગંભીર તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આ પરિસ્થિતિ ગયા વર્ષ કરતા પણ વધુ ચિંતાજનક છે, કારણ કે ભૂખનો સામનો કરી રહેલા લોકોની સંખ્યામાં એક જ વર્ષમાં 30 લાખનો તોતિંગ વધારો નોંધાયો છે.
ઇન્ટેગ્રેટેડ ફૂડ સિક્યુરિટી ફેઝ ક્લાસિફિકેશન (આઇપીસી) ના અહેવાલને ટાંકીને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના ડાયરેક્ટર જીન-માર્ટિન બાઉરે જીનિવા ખાતે જણાવ્યું હતું કે આ કટોકટી હવે અત્યંત નાજુક સ્તરે પહોંચી ગઈ છે. ખાસ કરીને દેશના બાળકો પર આની સૌથી ભયાનક અસર જોવા મળી રહી છે. હાલમાં અંદાજે 40 લાખ બાળકો ગંભીર કુપોષણનો ભોગ બન્યા છે, જેમાંથી 10 લાખ બાળકોની શારીરિક સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે તેમને જીવિત રાખવા માટે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર આપવી અનિવાર્ય બની ગઈ છે.
આ સંકટ પાછળ અનેક જટિલ કારણો જવાબદાર છે. અફઘાનિસ્તાનનું નબળું પડતું અર્થતંત્ર, સતત વધતી બેરોજગારી અને વિદેશથી વતનમાં મોકલવામાં આવતા નાણાંમાં થયેલો ઘટાડો સામાન્ય નાગરિકોની કમર તોડી રહ્યો છે. આ ઉપરાંત, વારંવાર પડતા દુકાળ અને આંતરરાષ્ટ્રીય સ્તરેથી મળતી સહાયમાં થયેલો ધરખમ ઘટાડો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યા છે. પાડોશી દેશો ઈરાન અને પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં અફઘાનિસ્તાનીઓનું સ્વદેશ પરત ફરવું પણ સંસાધનો પર મોટું દબાણ ઊભું કરી રહ્યું છે. દુ:ખદ બાબત એ છે કે અત્યારે માત્ર 2.7 ટકા વસ્તી સુધી જ પૂરતી ખાદ્ય સહાય પહોંચી રહી છે, જે આ માનવીય હોનારતને વધુ ઘેરી બનાવી રહી છે.



