ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લા પ્રભારી સચિવ દિલીપ રાણાની અધ્યક્ષતામાં આજરોજ જિલ્લાના વિવિધ વિકાસના કામોની પ્રગતિ અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા તેમજ કેશોદ, માંગરોળ, માણાવદર, બાંટવા, અને વિસાવદર નગરપાલિકાઓના પ્રગતિ હેઠળના કામોની વિગતો મેળવવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ નરસિંહ મહેતા તળાવ અને વાઘેશ્વરી તળાવ બ્યુટીફિકેશન, નરસિંહ વિદ્યામંદિર સ્કૂલ રિસ્ટોરેશન, જોષીપરા રેલ્વે ઓવરબ્રિજ સહિત મહાનગરપાલિકાના અન્ય પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી હતી. વધુમાં, ગુજરાત પ્રવાસન નિગમ (ચોરવાડ હોલિડે કેમ્પ), સાસણ ટુરીસ્ટ ફેસિલિટેશન સેન્ટર, જૂનાગઢ સંગ્રહાલય, સિંચાઈ વિભાગના ઘેડ વિસ્તારના કામો, અને રોડ-રસ્તાના કામોની પણ વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. અધિકારીઓને સરકારી ઇમારતોની સ્ટ્રક્ચરલ સેફ્ટી ઇન્સ્પેક્શન કરવા અને જર્જરિત ઇમારતો સામે કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. સંભવિત દુર્ઘટનાઓ ટાળવા માટે રોપવેના નિયમિત મેઇન્ટેનન્સ અંગે પણ દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. પ્રભારી સચિવએ જનપ્રતિનિધિઓના પેન્ડિંગ પ્રશ્ર્નો અને બાળકોમાં કુપોષણ નાથવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં કલેકટર અનિલકુમાર રાણાવસિયા, કમિશનર તેજસ પરમાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



