જૂનાગઢ જિલ્લામાં મ્યુલ બેંક એકાઉન્ટ સાઇબર ફ્રોડમાં વધુ 4 ગુના દાખલ
જૂનાગઢ, વિસાવદર અને શહેરના ટીંબાવાડીની મહિલા વિરુદ્ધ ગુનો
- Advertisement -
સાઇબર ફ્રોડના મૂળ સુધી પહોંચવા પોલીસની ઝીણવટપૂર્વક તપાસ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
જૂનાગઢમાંથી પકડાયેલા મ્યુલ એકાઉન્ટધારક યુવાને કેરાળા નજીક ગૌશાળાનું સંચાલન કરતા સાધુએ ખાતું ખોલાવ્યું હોવાની અને તેને કીટ આપી હોવાની કબૂલાત આપતા એસ.ઓ.જી.એ આ સાધુની પૂછપરછ શરૂ કરી તેની વિરૂઘ્ધ પુરાવા મેળવવા તપાસ હાથ ધરી છે ત્યારે ભાડે એકાઉન્ટ આપનારાઓમાં દોડધામ થઈ ગઈ છે. બી ડીવીઝન પોલીસમાં દાખલ થયેલા ગુનામાં પોલીસે બેંક ખાતું ભાડે આપનાર અભય પરસાણીયાને પકડી પૂછપરછ કરતા તેણે વટાણા વેરી નાખતા જણાવ્યું હતું કે ભવનાથમાં આવેલા અવધૂત આશ્રમના શિષ્ય અને કેરાળામાં આવેલી ગૌશાળાનું સંચાલન કરતા કલ્યાણગીરીએ બેંક ખાતાની વિગતો લીધા બાદ પૈસા જમા થતા હતા. પોલીસે કલ્યાણગિરીના બેંક ખાતાની તપાસ કરતા તેમાં રૂપિયા 40,76,380નું ટ્રાન્ઝેક્શન થયાનું સામે આવ્યું હતું. ભાડાના એકાઉન્ટમાંથી 7 વિડ્રો કરવા સમયે બાપુનો એક સાગરિત ખાતા ધારક સાથે હાજર રહેતો હતો. ખાતા ધારક પૈસા વિડ્રો કરી આપે ત્યારબાદ તેને કમિશન કે એકાઉન્ટનું ભાડું આપવામાંઆવતું હતું.આ બાબત અંગે એસ.ઓ.જી.એ કલ્યાણગિરીને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે જ યુવાનોને પૈસાની લાલચ આપી સાયબર ફ્રોડના નાણા જમા બેંક ખાતાનો ઉપયોગ કર્યો હતો. આ અંગે એસ.ઓ.જી.પી.આઈ. આર.કે. પરમારે જણાવ્યું હતું કે, હાલ કલ્યાણગિરી સામેના પુરાવા એકત્ર કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમ, મ્યુલ એકાઉન્ટ મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે આ અંગેનો રેલો હજુ અનેક લોકો સુધી આવે એવી સંભાવના છે.
- Advertisement -
દાતાર રોડના શખ્સના બેંક ખાતામાંથી 13.89 લાખ સગેવગે કરવા બદલ ગુનો નોંધાયો
જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ સંબંધિત ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દાતાર રોડ પર રહેતા આરોપી કુરેશી અરબાજ ઇકબાલ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અરબાજ ઇકબાલ તેના બેંક ઓફ મહારાષ્ટ્રના ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણતો હોવા છતાં, તેણે અલગ-અલગ સમયે સાયબર ફ્રોડથી મેળવેલ કુલ રૂ. 13,89,642ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવી હતી. ત્યારબાદ, આરોપીએ આ રકમ પોતાના આર્થિક ફાયદા સારુ ઉપાડીને સગેવગે કરી દીધી હતી. આ અંગે પો. હેડ કોન્સ. નિલેશભાઈ મનસુખભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જૂનાગઢમાં ટીંબાવાડીની મહિલાના ખાતામાં 16.68 લાખની ફ્રોડ રકમ જમા કરાવી સગેવગે
જૂનાગઢ સી ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડ દ્વારા મોટી રકમની ઉચાપત કરવા બદલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કેસમાં ટીંબાવાડી વિસ્તારમાં રહેતા પ્રીયા મુકુંદભાઈ રાડીયા સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આરોપી પ્રીયા રાડીયાએ તેના ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓ એસબીઆઇ, બેંક ઓફ મહારાષ્ટ્રા અને કેનેરા બેંકમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ રૂપિયા 16,68,050 જમા કરાવ્યા હતા. આ રકમ સાયબર ફ્રોડની હોવાનું જાણવા છતાં, આરોપીએ અથવા તેની સાથે સંડોવાયેલા ઈસમોએ બદઇરાદાથી આ રકમ પોતાના આર્થિક ફાયદા માટે વિડ્રો કરીને સગેવગે કરી ગુનો આચર્યો હતો.આ અંગે પો. હેડ કોન્સ. દેવેન્દ્ર લખમણભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વિસાવદરમાં રૂ.52 લાખના મેગા સાયબર ફ્રોડનો પર્દાફાશ
વિસાવદર પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ફ્રોડના એક મોટા કેસની નોંધ કરવામાં આવી છે. જાંબુડા ગામના રહેવાસી આરોપી કથીરીયા ભીખુભાઇ વલ્લભભાઇ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ પોતાના ઇં.ઉ.ઋ.ઈ બેન્ક, વિસાવદર શાખાના ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલ મોટી રકમ જમા થતી હોવાનું જાણતા હોવા છતાં, અલગ-અલગ માધ્યમોથી કુલ રૂપિયા 52,27,000 ની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં મેળવી હતી. આ રકમને આરોપીએ અથવા તેની સાથે સંડોવાયેલા ઈસમોએ બદઇરાદાથી પોતાના આર્થિક ફાયદા સારુ ઉપાડીને સગેવગે કરી ગુનો આચર્યો હતો. આ કેસની ફરિયાદ પો. હેડ કોન્સ. કિરણ પાંચાભાઇએ નોંધાવી છે.



