સાયબર ફ્રોડ આચરી પોતાના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.13
- Advertisement -
રાજ્ય અને દેશમાં સાયબર ફ્રોડના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જેમાં સાયબર ફ્રોડ આચરનારા ફોન પર સંપર્ક કરી બેંકમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી સાયબર કરીના ગુના આચરતા હોય છે ત્યારે આ પ્રકારે ધ્રાંગધ્રા ખાતે પણ સાયબર ફ્રોડ થકી રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવતા કુલ ચાર શખ્સો વિરુધ ગુનો નોંધાયો છે.
આ અંગે જાણવા મળી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે રહેતા મયુરભાઈ મનસુખભાઇ જાદવને અગાઉ સાણંદ ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હોય તે સમયે મૂળ ધ્રુમઠ ગામના અને રૂમ પાર્ટનર કમલેશભાઈ દલપતભાઈ પાનસુર દ્વારા સંસ્થામાંથી રૂપિયા નાખવા માટે કમિશન આપતા હોવાની લાલચ આપી 5,00,000 રૂપિયા મયુરભાઈ જાદવના ખાતામાં નાખવામાં આવ્યા હતા જેમાંથી 13,000 રૂપિયા જેટલી રકમ કમિશન પેટે મયુરભાઈને આપી હતી જેથી કમલેશભાઈ દલપતભાઈ પાનસુરાની પૂછપરછમાં તેઓ સાણંદ રહેતા હોય તે સમયે પોતાના મિત્ર મિલનભાઈ ચંદારાણા દ્વારા કમિશનની લાલચ આપી કમલેશભાઇ બેંક ખાતામાં 3,93,110 રૂપિયાની રકમ જમા કરાવી હતી જે રકમ પરત કરતા કમલેશભાઈને 6000 રૂપિયા જેટલું કમિશન પણ આપવામાં આવ્યું હતું પરંતુ આ રૂપિયા સાયબર ફ્રોડ દ્વારા અન્ય રાજ્યમાંથી લોકો સાથે છેતરપિંડી આચરી બેંકમા રૂપિયા જમા કરાવ્યા હોવાની જાણ હોવા છતાં પણ કમિશનની લાલચ આપી ગુનામાં મડકારી કરતા કમલેશભાઈ દલપતભાઈ પાનસુરા તથા મિલન ચંદારાણા વિરુધ ગુનો નોંધાયો હતો.
આ તરફ અન્ય એક બનાવમાં ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા રવિભાઈ ગોવર્ધનભાઈ દલવાડીને પોતાના મિત્ર ચિરાગભાઈ મધુકરભાઈ વડોદરીયા તથા દશુભા જાલુભા ઝાલાએ બેંક એકાઉન્ટ ખોલવી દેવાનું કહી તેમાં રૂપિયા ટ્રાન્સફર કરે તેમાંથી 10,000 રૂપિયા રાખી બાકીના રૂપિયા પરત આપવાની લાલચ આપી હતી અને ગત તારીખ 25 અને 26 જૂન એમ બે દિવસમાં કુલ 19,80,000 રૂપિયા જમા કરાવ્યા હતા જ્યારે રવિભાઈ દલવાડી ખાતામાં જમા કરાવેલ રૂપિયા ચિરાગભાઈ મધુકરભાઈ વડોદરીયા તથા દશુભા જાલુભા ઝાલા દ્વારા અન્ય રાજ્યમાંથી સાયબર ફ્રોડ કરી ખાતામાં જમા કરાવ્યા હોવાનું સામે આવતા બંને વિરુધ સિટી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. આમ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે એક જ દિવસમાં કુલ ચાર શખ્સો વિરુધ અન્ય રાજ્યના લોકો સાથે સાયબર ફ્રોડ આચરી રૂપિયા પડાવી લેવાના બનવામાં ગુનો નોંધતા કાર્યવાહી શરૂ કરી છે.
સાયબરની મોડસ ઓપરેન્ડી
ફેક કોલ દ્વારા કોઈપણ વ્યક્તિનું બેંક એકાઉન્ટ હેક કરી તેમાંથી તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે અને જે બાદ સામાન્ય યુવાનોના ખાતામાં આ રૂપિયા ટ્રાન્સફર કરવી સામાન્ય એકથી પાંચ ટકા જેટલું કમિશન આપી બેન્કનો ચેક લઈ આખાય સાયબર ફ્રોડને અંજામ અપાય છે.
સાયબર ફ્રોડના એજન્ટો પણ હોય છે
રાજ્ય અને દેશવ્યાપી સાયબર ફ્રોડની આખી ચેઇન હોય છે સાયબર ફ્રોડ કરનાર મુખ્ય શખ્સ નીચે જુદા જુદા જિલ્લામાં અને જિલ્લાના એજન્ટો નીચે તાલુકામાં એજન્ટ હોય છે જેઓનું કામ પૂર્વ આયોજિત સામાન્ય યુવાનો પાસેથી પહેલાથી જ બેંક એકાઉન્ટની વિગત લઈને મુખ્ય શખ્સ સુધી પહોંચાડી દેવામાં આવે છે અને બાદમાં બેંક ખાતામાં સમયાંતરે રૂપિયા ટ્રાન્સફર કરાય છે.
- Advertisement -
સાયબર ફ્રોડનો પર્દાફાશ
અચાનક લાખોના ટ્રાન્જેક્શનથી ખુલ્યો ભાંડો: સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમની કાર્યવાહી બેંક ખાતામાં અચાનક લાખો રૂપિયાનું ટ્રાન્જેક્શન થતા સુરેન્દ્રનગર સાયબર ક્રાઈમ વિભાગે બેંકના ખાતા ચકાસવા માટે માહિતી આપી હતી જેના આધારે ખાતા ધારકોની પૂછપરછમાં આખાય સાયબર ફ્રોડનો ભાંડો ફૂટ્યો.
આરોપીની ઊંડી તપાસથી દેશવ્યાપી કૌભાંડનો ખૂલાસો શક્ય
રાજ્ય અને દેશમાં આ પ્રકારના સાયબર ફ્રોડ આચરવામાં આવી રહ્યા છે જેમાં અનેક લોકો પોતાના કરોડો રૂપિયા આ સાયબર ફ્રીડમાં ગુમાવી બેઠા છે ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે જે બે જુદા જુદા ગુનામાં ચાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી તેની તટસ્થ તપાસ થાય તો રાજ્યવ્યાપી અથવા દેશવ્યાપી સાયબર ફ્રોડ સુધી પહોંચી શકાય છે.



