જૂનાગઢમાં ગુનાખોરી સામે એલસીબીની કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જૂનાગઢના ગાંધીગ્રામના બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈની ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચે શીલ પોલીસ સ્ટેશનમાં ગુજસીટોકનો ગુનો દાખલ કરાવી કડક કાર્યવાહી કરતા દારૂના ધંધાર્થીઓમાં હલચલ મચી ગઈ હતી. મૂળ જૂનાગઢના દોલતપરાનો હાલ ગાંધીગ્રામમાં તેજસ સ્કૂલની બાજુમાં રહેતો બુટલેગર રવિ હમીરભાઈ ભારાઈએ તેના 4 સાગરીતો સાથે દિવ દમણ, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને ગોવા રાજ્યમાંથી વિદેશી દારૂની હેરફેર માટે ખોટા દસ્તાવેજ બનાવી આર્થિક ગુના આચરતી ટોળકી બનાવી હતી અને વિદેશી દારૂની આયાત માટે ટ્રક સહિતના વાહનના એન્જિન, ચેસીસ નંબર સાથે ચેડા કરી બોગસ ટ્રાન્સપોર્ટ, જીએસટી બિલ બનાવી આર્થિક ગુના આચર્યા હોવાનું જણાયું હતુ. આઇજી નિલેશ જાજડીયાની મંજૂરીના આધારે ગુરુવારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ એમ. પટેલે રવિ ભારાઈ, વિપુલ ઉર્ફે પૂંજો ખાંભલા ખાંભલા, રાજુ કરમેટા, મના કટારા, રામા ચોપડા, કિશોર પર્ફેક્ટ કિલો વાઘેલા સહિત 6 શખ્સ સામે ગુજસીટોકનો ગુનો શીલ પોલીસ મથકમાં નોંધાવ્યો હતો. જેના પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાએ તપાસ હાથ ધરી હતી.
આ સંગઠિત ટોળકીમાં જૂનાગઢના એક લિસ્ટેડ બુટલેગરનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ, આ ટોળકી દ્વારા છેલ્લા 10 વર્ષના ગાળામાં 64 જેટલા ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા હતા, જેના કારણે જાહેર જનજીવન અને કાયદા-વ્યવસ્થાને અસર પહોંચી હતી. પ્રાથમિક કાર્યવાહીના ભાગરૂપે પોલીસે ટોળકીના ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આ ગેંગનો મુખ્ય મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓને ગુજસીટોક કોર્ટ, રાજકોટ ખાતે આજે રજૂ કરવામાં આવશે. પોલીસે આ ગંભીર ગુનાની તપાસ ડીવાયએસપી હિતેષ ધાંધલિયાને સોંપી છે, જેઓ આ સંગઠિત નેટવર્કને તોડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરશે. પોલીસની આ કાર્યવાહીથી સંગઠિત ગુના આચરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજસીટોક ગુનામાં ઝડપાયેલ 4 શખ્સો
1, વિપુલ ઉર્ફે પૂંજો રામભાઈ ઉર્ફે રમણભાઈ ખાંભલા ધારેશ્વર સોસાયટી, તાલાલા ગુના – 4
2, રાજુ ખેતાભાઇ કરમટા રૂદલપુર વાડી વિસ્તાર તા. માંગરોળ ગુના -5
3, મના કાનાભાઈ કટારા કાટવાણા જી. પોરબંદર ગુના – 3
4, રામા નારણભાઈ ચોપડા નરસંગ ટેકરી તાલાલા ગુના – 17
પકડવાના બાકી આરોપીઓ
5, રવિ હમીરભાઈ ભારાઈ ગાંધીગ્રામ, ખાનગી સ્કૂલની બાજુમાં જૂનાગઢ ગુના – 15
6, કિશોર ઉર્ફે કિસલો દેવશી ઉર્ફે દેવજીભાઈ વાઘેલા તાલાલા ગુના – 21



