જીવના જોખમે નદી પસાર કરવા મજબુર બન્યા વિધાર્થીઓ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
વંથલી તાલુકાના બાલોટ વંથલી રસ્તો મંજૂર થયાના ત્રણ વર્ષ થવા છતાં પણ હજુ કામગીરી શરૂ કરવામાં ન આવતાં ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે વંથલી તાલુકાના ઉબેણ નદી પર બાલોટ વંથલી જોડતો 3.50 કિમી રસ્તો ત્રણ વર્ષ પહેલા ધારાસભ્ય જવાહર ચાવડાની રજૂઆતને ધ્યાન લઈ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2022 માં 10 કરોડના ખર્ચે આ કામને મંજૂરી આપવામાં આવી હતી ઉબેણ નદી પર પુલ , મેટલકામ, ડામરકામ, પ્રોટેક્શન વોલ,સી.સી રોડ જેવી કામગીરી માટેનું ખાતમુર્હુત પણ થઈ ગયું હતું પણ છેલ્લા ચાર વર્ષથી કોઈ કામગીરી કરવામાં ન આવતા તંત્રની લાલિયાવાડી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ગ્રામજનોએ રોષભેર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ રસ્તાનું કામ શરૂ ન થવાથી અમારે વંથલી જવા માટે 9 કિમી ફરીને જવું પડે છે તેમજ સામા કાંઠે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે તેમને ગામમાં આવવા જવા ઉબેણ નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે તેમજ શાળાએ અભ્યાસ કરવા આવતા વિધાર્થીઓને પણ જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શાળાએ જઈ શકતા નથી આ નદીમાં મગરનો વસવાટ હોય લોકો જીવના જોખમે આ નદી પર પસાર થઈ રહ્યા છે એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ માત્ર 3.50 કિમી રસ્તો છેલ્લા 4 વર્ષમાં બનાવી શકી નથી જેથી સરકારના આ દાવા માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે આ રસ્તો તાત્કાલિક બનાવવામાં આવે જેથી ગ્રામલોકોને આ સમસ્યામાંથી કાયમી છુટકારો મળે તેમ જણાવ્યું હતું
ચોમાસામાં ઉબેણ નદી પર પાણીનો ભારે પ્રવાહ હોય ખેડૂતો ખેતરે જઈ શકતા નથી અને કોઈ વાવેતર થઈ શકતું નથી દિવાળી પછી ખેતરે જઈ શકાય છે અને કોઈપણ કામ માટે 13 કિમી જેટલું ફરીને આવવું પડે છે દર વર્ષે આ નદી પર સામા કાંઠે જવા માટે અને પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા ફાળો એકત્ર કરી સ્વખર્ચે કાચી મેટલ નાખવામાં આવે છે 2022 માં મંજૂર થયેલ કામ હજુ શરૂ થયું નથી તંત્રને આ કામ બાબતે પૂછાતા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવું કહેવામાં આવે છે આ અંગે મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને પણ મેઇલ દ્વારા જાણ કરેલ છે તેમજ ધારાસભ્યને પણ રજૂઆત કરી છે તેમ બાલોટ ગામના સરપંચ દિલીપભાઈ મકવાણાએ જણાવ્યું હતું. 3.50 કિમી ના આ રસ્તાનું કામ ત્રણ વર્ષે પણ શરૂ કરવામાં આવ્યું નથી અમારે વંથલી જવા માટે 9 કિમી.દૂર ફરીને જવું પડે છે અને ચોમાસામાં 70 ટકા જેટલી પડતર રહે છે બે માસ ઉબેણ નદીમાં પાણી હોવાથી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે વાલીઓએ બાળકોને ખંભે ઊંચકીને શાળાએ મૂકવા જવું પડે છે તેમ બાલોટના ગ્રામજન નાજાભાઈ જલુએ જણાવ્યું હતું.



