સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ખનીજ વિભાગ પર સીધો આક્ષેપ
માળિયા-માંગરોળ પંથકમાં ગેરકાયદે લાઈમ સ્ટોનનો કાળો કારોબાર બેરોકટોક
- Advertisement -
ખનીજ માફિયાઓ સામે ‘મોટો રાજકીય દોરીસંચાર’ હોવાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી રાજકીય મુદ્દો પણ બની ગઈ છે. થોડા દિવસ પહેલા માંગરોળ, માળિયા પંથકમાં તંત્રએ સપાટો બોલાવતા ભાજપના રાજકીય નેતાઓ આડકતરી રીતે નારાજ થઈ ગયા હતા. હવે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ખાણ ખનીજ વિભાગ પર હપ્તા લેવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે અધિકારીઓને લોકેશન, ફોટા સહિતની વિગતો આપી છતાં ખનીજ માફીયાઓને ત્યાં અધિકારીઓની ટીમ પહોંચી ચા-પાણી પી નીકળી ગયાનો આરોપ લગાવી જનતા રેડની ચિમકી ઉચ્ચારી છે. માળિયા, માંગરોળ પંથકમાં ગેરકાયદેસર લાઈમ સ્ટોન કાઢવાનો કાળો કારોબાર બેરોકટોક ધમધમી રહ્યો છે. અનેક ગામડાઓમાં સરકારી ખરાબો, ગૌચર સહિતની જમીનોમાંથી પથ્થરો કાઢવાનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે. અનેક લીઝમાં મંજુર થયેલી જમીન સિવાયના નજીકની જમીનમાંથી પથ્થરો કાઢવામાં આવે છે. આમ બે પ્રકારે ખનીજ ચોરીનો કારોબાર ચાલે છે. મોટા રાજકીય દોરીસંચાર સિવાય આ કાળો કારોબાર શક્ય નથી. ગત સપ્તાહે કેશોદ પ્રાંતની ટીમ દ્વારા માંગરોળ, માળિયા પંથકમાંબેલા ભરેલા 25થી વધુ ટ્રકને ઝડપી પાડ્યા હતા. તેના એકાદ-બે દિવસ બાદ મોટો રાજકીય વિવાદ સર્જાયો જેમાં અધિકારીઓ પર દોષારોપણ થયું હતું. સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પોતાના ગામ ચોરવાડ પંથકમાં બેરોકટોક ખનીજ ચોરી ચાલતી હોવાના વિડીયો, ફોટા સાથેના પુરાવા તથા સર્વે નંબર, લોકેશન સહિતની વિગતો જૂનાગઢ જીલ્લાના ઈન્ચાર્જ ખનીજ અધિકારી કિરણભાઈ પરમારને મોકલી હતી અને ટેલીફોનીક જાણ કરી હતી. અધિકારીએ ટીમ મોકલવાનું જણાવી ટીમ મોકલતા ખનીજ ચોરી જે જગ્યાએ ચાલતી હતી ત્યાં જઈ ખનીજ ચોરી પકડવા આવેલી ટીમ ચા-પાણી પી કોઈ જાતની કાર્યવાહી વગર ત્યાંથી નીકળી ગઈ હોવાનો આરોપ ધારાસભ્યએ લગાવ્યો છે. સતત બે દિવસ સુધી ધારાસભ્યએ અધિકારીને માહિતી આપી છતાં કોઈ કાર્યવાહી ન થતા તેણે આક્ષેપ કર્યો છે કે, ખનીજ માફીયાઓ સાથે મળી ખનીજ અધિકારીઓ હપ્તા લે છે, આ અંગે જૂનાગઢ કલેક્ટર, ખાણ ખનીજ વિભાગના કમિશનર, મુખ્યમંત્રી સહિતનાઓને રજુઆત કરી છે છતાં પણ હવે કાર્યવાહી નહી થાય તો હું જનતા રેડ કરીશ.
- Advertisement -
જૂનાગઢ ખનીજ વિભાગની રેકર્ડ પર વાહ વાહી
આ મામલે ખાણ ખનીજ વિભાગના ઈન્ચાર્જ અધિકારી કિરણ પરમારે દાવો કર્યો છે કે, ‘ગત વર્ષે ખનીજ ચોરીના 205 કેસ કરી 2.19 કરોડની વસુલાત કરી હતી. એપ્રિલથી નવેમ્બર સુધીમાં 271 કેસ કરી 2.72 કરોડની વસુલાત કરી છે. જ્યારે ડિસેમ્બર માસમાં 39 કેસ કરી વસુલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.’ આમ, આંકડા પરથી એવું લાગે કે જૂનાગઢ જીલ્લામાં ક્યાંય ખનીજ ચોરી થતી જ નહી હોય!
ગત વર્ષે માત્ર 24 લીઝમાં 100 કરોડથી વધુનો દંડ ફટકારાયો હતો
ખાણ ખનીજ વિભાગની ગાંધીનગરની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગત વર્ષે 24 લીઝમાં તપાસ કરવામાં આવી હતી તેમાંથી મોટાભાગની લીઝમાં મંજુર થયેલા લીઝ વિસ્તાર સિવાયની જમીનમાંથી ખનીજ કાઢી લેવામાં આવ્યું છે જે પેટે 100 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ તેમાંથી વસુલાત નહીવત છે.



