બંને દેશોના સંબંધો સુધારવા પર ચર્ચા થઈ, આ વર્ષે બંને વચ્ચે છઠ્ઠી વખત વાતચીત થઈ
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.12
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી. મોદીએ કહ્યું કે તેમની વાતચીત ઉષ્માભરી અને સકારાત્મક રહી.
તેમણે જણાવ્યું કે બંને નેતાઓએ બંને દેશોના સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી. સાથે જ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વૈશ્ર્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરતા રહેશે.
વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવાની જરૂૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. સાથે જ મહત્ત્વપૂર્ણ ટેકનોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષા જેવા ક્ષેત્રોમાં ભાગીદારીને આગળ વધારવા પર પણ સહમતિ બની.
હવે આ પ્રવાસનો હેતુ એ છે કે બંને દેશો નવી દ્વિપક્ષીય ટ્રેડ ડીલના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂૂપ આપવાનો પ્રયાસ કરે. એટલે કે, ભારત-અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચર્ચામાં રહેલી ડીલને પૂર્ણ કરવાની દિશામાં પગલાં લેવાય.
છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારત અને અમેરિકા વચ્ચેના વ્યાપારી સંબંધોમાં ઘણી કડવાશ રહી છે. અમેરિકાએ ભારતના ઊંચા ટેરિફ અને વેપાર ખાધને કારણે 25% ટેરિફ લગાવ્યો છે. આ કારણે બંને દેશોને નિકાસ-આયાતમાં મુશ્ર્કેલી પડી હતી.
અમેરિકાને લાગે છે કે બંને દેશો વચ્ચેનો વેપાર અસંતુલિત છે. ભારત, અમેરિકાને વધુ વસ્તુઓ વેચે છે અને અમેરિકા, ભારતને તેટલી વસ્તુઓ વેચી શકતું નથી. આ તફાવત ઘટાડવા માટે પણ આ ટેરિફ લગાવવામાં આવ્યો છે. ભારત અને અમેરિકાનું લક્ષ્ય 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 191 અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલર કરવાનું છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા અનુસાર, એપ્રિલ-જુલાઈ 2025માં ભારતની અમેરિકાને નિકાસ 21.64% વધીને 33.53 અબજ ડોલર થઈ ગઈ, જ્યારે આયાત 12.33% વધીને 17.41 અબજ ડોલર રહી.
આ સમયગાળા દરમિયાન અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો, જેની સાથે 12.56 અબજ ડોલરનો વેપાર થયો. એપ્રિલથી ભારતની અમેરિકાને નિકાસ સતત વધી રહી છે.
મોદી અને ટ્રમ્પ વચ્ચે છઠ્ઠી વાર ફોન પર ચર્ચા
મોદી અને ટ્રમ્પ વચ્ચે આ વર્ષે છઠ્ઠી વાર ફોન પર વાતચીત થઈ છે. આ વર્ષે 27 જાન્યુઆરીએ પીએમ મોદીએ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા બદલ અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. 22 એપ્રિલે ટ્રમ્પે પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ મોદીને ફોન કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ પછી ટ્રમ્પે 17 જૂને મોદીને આમંત્રણ આપવા, 17 સપ્ટેમ્બરે જન્મદિવસની શુભેચ્છા આપવા અને 21 ઓક્ટોબરે દિવાળીની શુભકામનાઓ આપવા માટે ફોન કર્યો હતો.



