વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલાં બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું
પાંચ શ્રમિકો દટાયા-રેસ્ક્યૂ કરી સારવારમાં ખસેડાયા: કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ વલસાડ
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અહીંથી પસાર થતાં એક રાહદારીએ જણાવ્યું કે એકદમ ભૂકંપ જેવો અવાજ આવ્યો ને અમે દોડી આવ્યા હતા. બીજી તરફ તમામ શ્રમિકોનો ઈન્શ્યોરન્સ લીધેલો હોવાનું કહી કોન્ટ્રાક્ટરે લૂલો બચાવ કર્યો છે. કૈલાશ રોડ ઉપર આવેલી ઔરંગા નદી પરના નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી થઇ રહી છે અને અધિકારીઓએ આગળની તપાસ હાથ ધરી છે.
લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી: જિલ્લા કલેક્ટર
- Advertisement -
વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માએ જણાવ્યું કે, આજે સવારે આ દુર્ઘટના થઇ એમાં પાંચ લોકોને ઇજા થઇ છે. જેમાં ચાર લોકોની તબિયત સારી છે. જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકો ગ્રાઉન્ડ લેવલે કામ કરી રહ્યા ત્યારે કોઇ જેકના લીધે અને લોડ બેલેન્સના કારણે આ ઘટના ઘટી છે. 42 કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો.
સુરતના સુપ્રિટેન્ડિંગ-એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપાઇ
આ મામલે માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે, સુરતના સુપ્રિટેન્ડિંગ એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તપાસ સોંપવામાં આવી છે અને એક-બે દિવસમાં રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અહીં કામ કરી રહેલા પાંચ મજૂરોને રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સારી હોવાનું ડોક્ટરે જણાવ્યું છે.



