ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે કિંમતી ધાતુઓના વૈશ્વિક ભાવમાં ઉછાળા વચ્ચે આયાતકારો તરફથી આક્રમક ડોલરની ખરીદીને કારણે રૂપિયો મોટાભાગે દબાણ હેઠળ છે.
ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અટકવાનું નામ લઈ રહ્યો નથી. શુક્રવારે (12મી ડિસેમ્બર) પણ ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે 24 પૈસા ઘટીને 90.56ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. જો કે, રૂપિયામાં સતત ઘટાડા વચ્ચે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.
- Advertisement -
ગુરુવારે શું સ્થિતિ હતી?
અહેવાલો અનુસાક, ગુરુવારે રૂપિયો 38 પૈસા ઘટીને ડૉલરની સરખામણીમાં 90.32ના સ્તરે બંધ થયો હતો. શુક્રવારે રૂપિયો યુએસ ડૉલર સામે 90.43 પર ખુલ્યો, પરંતુ વધુ ગગડીને 90.56 પર પહોંચી ગયો, જે તેના અગાઉના બંધ ભાવ કરતાં 24 પૈસાનો ઘટાડો દર્શાવે છે. આ દરમિયાન, ડૉલરની મજબૂતી માપતો ડૉલર ઇન્ડેક્સ 0.02 ટકા વધીને 98.37 પર કારોબાર કરી રહ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પણ 0.67 ટકા વધીને 61.69 ડૉલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. સ્થાનિક શેરબજારની વાત કરીએ તો 30-શેરોનો બેન્ચમાર્ક સેન્સેક્સ 400 પોઈન્ટ વધીને 85215 પર અને નિફ્ટી 118 પોઈન્ટ વધીને 26000 ઉપર કારોબાર કરી રહ્યો છે.
રૂપિયો શા માટે તૂટી રહ્યો છે? મુખ્ય બે કારણો
- Advertisement -
બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે ભારત-અમેરિકા વેપાર કરારને લઈને અનિશ્ચિતતા અને વિદેશી રોકાણના સતત પ્રવાહને કારણે રૂપિયા પર દબાણ છે. વિદેશી ચલણના વેપારીઓનું કહેવું છે કે વૈશ્વિક કિંમતી ધાતુઓના ભાવમાં ઉછાળા વચ્ચે આયાતકારો દ્વારા ડૉલરની આક્રમક ખરીદીને કારણે રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે.
1. ભારત-અમેરિકા વેપાર કરાર પર અનિશ્ચિતતા
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, તેમ છતાં કોઈ નક્કર માહિતી સામે આવી નથી. આ ડીલ ક્યારે પૂર્ણ થશે તે અંગેની અનિશ્ચિતતા રોકાણકારો અને વેપારીઓ માટે ચિંતા વધારી રહી છે, જેના કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને ભારતીય રૂપિયા પર દબાણ સર્જાયું છે.
2. વિદેશી રોકાણકારોનું વેચાણ (FPI Exit)
ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડાનું બીજું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા સતત વેચવાળી છે. વિદેશી રોકાણકારોએ ગુરુવારે જ ભારતીય શેરબજારમાંથી 2,020.94 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં તેઓ કુલ આશરે $2.5 બિલિયન (22,500 કરોડ રૂપિયા)ની ઇક્વિટી અને એસેટ વેચી ચૂક્યા છે. આ મોટા પાયે વેચવાળી રૂપિયા પર દબાણ વધારી રહી છે.




