રોટલો અને ઓટલો આપનાર કાકાને પૈસાની લેતી દેતી મુદ્દે વાડીએ લઇ જઈ પતાવી દીધા
મર્ડરને અકસ્માતમાં ખપાવવા ખોટી સ્ટોરી ઉભી કરી : ભાયાવદર પોલીસે કરી ધરપકડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લાના ઉપલેટાના રાજપરા ગામે ભત્રીજાએ કુહાડીના ઘા ઝીંકી કાકાની કરપીણ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે પૈસાની લેતીદેતીમાં થયેલ બોલાચાલીનો ખાર રાખી ભત્રીજાએ કાકાને વાડીએ લઇ જઈ રહેસી નાખ્યા બાદ મર્ડરના બનાવને અકસ્માતમાં ખપાવવા ખોટી સ્ટોરી ઉભી કરી હતી. જો કે પીએમમાં બોથડ પદાર્થથી ઇજા થયાનો રિપોર્ટ આવતા ભત્રીજાનો ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને અંતે પોલીસે ધરપકડ કરી હતી.
ઉપલેટાના રાજપરા ગામે રહેતા દેવીબેન કાનાભાઈ જોગ ઉ.22એ તેના પિતા કાનાભાઇ જોગની હત્યા કરનાર પિતરાઈ ભાઈ વિરમ ભુપત જોગ સામે ભાયાવદર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઉપલેટા ડેન્ટલ હોસ્પીટલમાં આસિસ્ટન્ટ નર્સ તરીકે ફરજ બજાવે છે ભાઈ રામદે અમારી ચરેલિયા ગામે સીમમાં આવેલ આઠ વીઘા જમીન પર ખેતી કરે છે. તેમના પિતા ચાર ભાઇઓ છે જેમાં સૌથી મોટા વેજાભાઈ તેના પરિવાર સાથે રાજપરા રહે છે. તેમનાથી નાના ભુપતભાઈ ગુજરી ગયેલ છે તેમના દીકરા રાજપરામાં રહે છે. ભુપતભાઈના દીકરા વિરમભાઈને એક દીકરો દર્શન છે જે મોટા બાપુ કેશુભાઇ સાથે રહે છે. વિરમભાઇના પાંચેક વર્ષ પહેલા છુટાછેડા થયા છે, જેથી આ વિરમભાઇ પહેલા કેશુભાઇના ઘરે જમતા હતા અને છેલ્લા ત્રણ-ચાર અઠવાડીયાથી તેણીના ઘરે જમે છે ચારેક દિવસ પહેલા તેણીના પિતાને વિરમભાઈ સાથે પૈસા બાબતે બોલાચાલી થતા પિતાએ વિરમભાઈને ઘરે આવવાની અને જમવાની ના પાડી દીધી હતી જેની જાણ થતા બન્ને વચ્ચે સમાધાન કરાવેલ અને વિરમ ફરીથી ઘરે જમવા આવવા લાગ્યો હતો 9 તારીખે નોકરી પર હતી ત્યારે મમ્મીનો ફોન આવેલ કે, તારા પિતાને વિરમભાઈ બપોરે દોઢેક વાગ્યાની આસપાસ બાઈકમાં બેસાડી વાડીએ લઇ ગયેલ છે તેમને જમવાનું બાકી છે અને તેમની તબીયત નાદુરસ્ત હોય તું વિરમને ફોન કરીને પપ્પાને ઘરે મુકી જવાનું કહી દે બાદ સવા ચારેક વાગ્યે મમ્મીનો ફરીથી ફોન આવેલ કે, તારા પિતા સ્કુટર ઉપરથી પડી ગયા છે અને તેમને ઇજા થઇ છે. તારો ભાઇ રામદે મગફળી વેચવા ગયો છે જેથી તું વાડીએ આવ તેમ જણાવ્યું હતું.
જેથી તેણી તરત જ ઉપલેટાથી વાડીએ આવી હતી ત્યાં પહોંચીને જોતા પિતા ઓરડીમાં ખાટલામાં મરણ હાલતમાં પડ્યા હતા અને તેમને કપાળના ભાગે નેણ ઉપર તથા જમણા નસકોરા બાજુમાં ઈજાઓ હતી લોહી નીકળેલુ હતુ. ત્યા તેના માતા, ભાઈ રામદે, મોટાબાપુ કેશુભાઈ તથા વિરમભાઇ વિગેરે હાજર હતા ત્યારે વિરમભાઈએ જણાવેલ કે, તારા પિતા બાઈક લઈને ઢાંક ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થઈ જતા ઈજા થઇ હતી જેથી તેમને ત્યાથી અહી લાવેલ છુ. જે બાદ મોટરસાયકલ જોતા તેમા આગળનો મોરો ભાંગી ગયો હતો તથા બન્ને આગળની સાઇડ લાઇટ તુટી ગઈ હતી પરંતુ પિતાને કોઈ છોલછાલ કે અન્ય કોઇ ઇજાના નિશાન ન હતા બાદ પોલીસે કાર્યવાહી કરી પિતાનું પીએમ કરાવવા ભાયાવદર સરકારી દવાખાને લઇ ગયા હતા. જયા પીએમ થઇ જતા પિતાને તીક્ષ્ણ અને બોથડ પદાર્થ વડે માથામાં ઇજા થવાના કારણે મરણ ગયાનું તારણ સામે આવ્યું હતું બાદ પિતરાઈ ભાઇ વિરમભાઈએ ઝગડાનો ખાર રાખી હત્યા કરી દીધાની પરિજનો અને પોલીસને શંકા ઉદભવી હતી જેથી પીઆઈ વી સી પરમારની ટીમે વિરમ જોગની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે જ કુહાડીનો ઘા ઝીંકી પ્રૌઢને મોતને ઘાટ ઉતારી દીધાનું કબૂલ્યું હતું.
જેથી પોલીસે હત્યારાની ધરપકડ કરી હત્યાને અંજામ આપવા વપરાયેલું હથિયાર કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભત્રીજાએ કબૂલાત આપી હતી કે મર્ડર બાદ અકસ્માતની ખોટી સ્ટોરી ઘડી કાઢી હતી પણ ભત્રીજાએ વર્ણવેલી સ્ટોરીમાં પરિજનો અને પોલીસ એમ બંનેને શંકા ઉપજતા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. વધુમાં આરોપીએ હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા મૃતકના વાહનમાં પણ તોડફોડ કરી હતી.



