11 ડિસેમ્બર 1915ના રોજ જન્મ, માતા પાર્વતીબાઈના સંસ્કારોથી બાળપણથી જ ભેદભાવથી દૂર; ‘સંઘ એ જ જીવનગાથા’ જીવનાર મહાન સંગઠક ડો. હેડગેવારનું પ્રતિબિંબ અને સંઘના કાર્યને આપેલું વ્યાપક યોગદાન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) ની સ્થાપનાના શતાબ્દી વર્ષની દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સંઘના ત્રીજા સરસંઘચાલક પ.પૂ. બાળાસાહેબ દેવરસ (મધુકર દેવરસ)નું યોગદાન અવિસ્મરણીય છે. તેમનો જન્મ 11 ડિસેમ્બર, 1915ના રોજ થયો હતો. બાળાસાહેબે માત્ર 12 વર્ષની ઉંમરથી ડો. કેશવરાવ બલિરામ હેડગેવારના સંપર્કમાં આવીને સંઘના કાર્યમાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.
પૂ. ગુરુજી (માધવરાવ સદાશિવ ગોળવલકર) બાળાસાહેબને પૂજનીય ડો. હેડગેવારજીની ’નાનકડી પ્રતિકૃતિ’ માનતા હતા. બાળાસાહેબે સંઘમાં બાળ ગટનાયકથી લઈને સરસંઘચાલક સુધીની તમામ જવાબદારીઓ વહન કરી હતી. તેમનું પ્રથમ યોગદાન યુવાનોને ઉચ્ચ અભ્યાસના નામે દેશભરમાં મોકલીને શાખાઓ શરૂ કરાવવાનું રહ્યું. 1942 થી 1948 દરમિયાન તેમણે પૂ. ગુરુજીના ’હમણા નહી તો કદી નહી’ના આહવાનને ભવ્ય પ્રતિસાદ અપાવ્યો હતો.
પૂ. બાળાસાહેબ 21 વર્ષ સુધી અખંડ ભારતનો પ્રવાસ કરી સંઘનું કાર્ય વધાર્યું. તેઓ વર્ણ વ્યવસ્થા અને જાતિવ્યવસ્થાની અસંગતતા દૂર થવી જોઈએ અને “અસ્પૃશ્યતા ભૂલ જ છે અને અસ્પૃશ્યતા તો જવી જ જોઈએ” તેવું સ્પષ્ટપણે માનતા હતા. તેમના ઘરમાં બાળપણથી જ સહમુહિક જીવન અને માતા પાર્વતીબાઈના પ્રગતિશીલ વિચારોને કારણે ઊંચ-નીચના ભેદભાવને સ્થાન નહોતું. તેમણે હંમેશા સામાજિક સમરસતા દ્વારા જ દેશનું કલ્યાણ થઈ શકે તેવું સ્પષ્ટ વિઝન આપ્યું.
સંઘ પર આવેલા પ્રતિબંધો (ખાસ કરીને કટોકટીના સમયમાં) દરમિયાન લાખો સ્વયંસેવકો જ્યારે જેલમાં હતા, ત્યારે બાળાસાહેબે શાંતિથી ’સત્યાગ્રહ દ્વારા આગળ વધો’ નું આહવાન કર્યું હતું. તેમણે સંઘ પરિવારની ચિંતા કરી, જેલમાં હોવા છતાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખી એક આદર્શ નેતૃત્વનો પરિચય આપ્યો. આસામની સમસ્યા, રામજન્મભૂમિ, જમ્મુ-કાશ્મીર સમસ્યા, મીનાક્ષીપુરમ પ્રકરણ, અને વનવાસી કલ્યાણ જેવા રાષ્ટ્રીય સંકટોમાં તેમણે સંઘની સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો. ’સંઘ એજ જીવન ગાથા’ સમાન જીવન જીવનાર બાળાસાહેબ દેવરસનું અવસાન 17 જૂન, 1996ના રોજ પુણેમાં થયું હતું. તેમણે મૃત્યુ પછી પણ પોતાની અંતિમવિધિ સાધારણ સ્મશાનભૂમિમાં કરવા જણાવ્યું હતું, જે તેમની સાદગી દર્શાવે છે.



