હું સંપૂર્ણ નિષ્ઠા પારદર્શિતા અને ન્યાયપ્રધાન માર્ગથી સમાજ સેવા માટે કાર્યરત રહીશ : મેઘરાજસિંહ ચુડાસમા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત અને યુવા વકીલ મેઘરાજસિંહ એમ. ચુડાસમાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની લીગલ અને માનવ અધિકાર પ્રકલ્પના રાજકોટ શહેરના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
પ્રદેશ પ્રમુખ યોગેશ રવાણી દ્વારા અપાયેલી આ નિમણુંક શહેર અને રાજ્યના પીડિતો, વંચિતો તથા ન્યાયની જરૂરિયાત ધરાવતા નાગરિકો માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મેઘરાજસિંહ ચુડાસમા વર્ષ 2017થી રાજકોટમાં ફોજદારી પ્રકરણોમાં સક્રિય પ્રેક્ટિસ કરી રહ્યા છે. નાની વયે જ તેમના નિર્ભય વલણ, વિશેષ કાનૂની જ્ઞાન અને પીડિતોના હિત માટેની અડગ વૃત્તિએ તેમને અલગ ઓળખ આપી છે. અનેક સંવેદનશીલ કેસોમાં સફળ વકીલાત કરીને તેમણે શહેરના ન્યાયક્ષેત્રમાં મક્કમ સ્થાન મેળવ્યું છે. ચુડાસમા લાંબા સમયથી માનવ અધિકાર, પોલીસ તપાસ અને ફોજદારી ન્યાય સંબંધિત કેસોમાં પીડિતોને કાનૂની સહાયતા પૂરી પાડતા રહ્યા છે. સમાજમાં કાનૂની જાગૃતિ વધારવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે અને તેમની કામગીરીથી અનેક નિર્દોષોને ન્યાય મળ્યો હોવાનો વિશ્વાસ લોકોમાં છે.
રાજપુત કરણી સેનાના લીગલ સેલ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા ચુડાસમા યુવાનોને કાયદા અંગે માર્ગદર્શન આપવા અનેક કાર્યક્રમોનું નેતૃત્વ કરી ચૂક્યા છે. નવી જવાબદારી બાદ તેઓએ જણાવ્યું કે, ન્યાયપ્રધાન માર્ગથી સમાજ સેવા મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. નબળા વર્ગોને કાનૂની સુરક્ષા અને માનવ અધિકાર રક્ષણ માટે હું સદા પ્રયત્નશીલ રહીશ. શહેરના વકીલમંડળ, સામાજિક આગેવાનો તથા કુણાલભાઇ રાવલ, સંજયભાઇ લાખાણી, રજતભાઇ સંઘવી, દેવેન્દ્રસિંહ રાણા અને દિગુભા ઝાલા સહિતનાએ અને નાગરિકોએ તેમની નિયુક્તિ પર હર્ષ અને ગૌરવ વ્યક્ત કર્યું છે અને તેમની કાર્યક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.



