એપી સેન્ટર તાલાલાથી 11 કિમી દૂર નોંધાયુ: તાલાલા પંથકને 5 આંચકાએ ધ્રુજાવ્યો: લોકો ઘરની બહાર દોડી ગયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
- Advertisement -
તાલાલા પંથકમાં ભુગર્ભ નાં પેટાળમાં હિલચાલ વધતા ભૂકંપના આંચકા અવિરત વધતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. ગઈ કાલે સવારે દોઢ કલાક નાં સમયગાળામાં ધરતીકંપના ચાર આંચકા અનુભવાયા હતાં.પ્રથમ આંચકાની તિવ્રતા સૌથી વધુ હોય વેપારીઓ તથા લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના જણાવ્યા પ્રમાણે તાલાલા પંથકમાં સોમવારે દોઢ કલાકમાં ચાર આંચકા નોંધાયા છે જેમાં સવારે 10:51 કલાકે આવેલ આંચકાની તીવ્રતા 3.1 ની હતી જેની ભુગર્ભ ઉંડાઈ માત્ર 4.2 કિ.મી હોય આંચકાની અસર અનેક ગામોમાં થઈ હતી..બીજો આંચકો 10:55 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 1.3 ની હતી જેની ઉંડાઈ 5.7 કિ.મી હતી.ત્રીજો આંચકો 12:04 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 2.0 ની હતી જેની ઉંડાઈ 4.4 કિ.મી હતી.ચોથો આંચકો બપોરે 12:37 કલાકે નોંધાયો હતો તેની તિવ્રતા 1.1 ની હતી જે ભૂગર્ભમાંથી માત્ર 4.4 કિમીની ઊંડાઈએથી આવ્યો હતો તેમજ આજે મંગળવારે સવારે 7:03 કલાકે 2.6 ની તીવ્રતા ના આંચકો આવ્યો હતો. પાંચેય આંચકા નું કેન્દ્રબિંદુ તાલાલા ગીરથી 10 થી 12 કી.મી ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયું છે.
ગઈ કાલે સવારે આવેલ પ્રથમ આંચકાની તીવ્રતા 3.1 ની ભારે હતી અને ભુગર્ભમાંથી માત્ર 4.2 કિ.મી ની ઉંડાઈએથી આવ્યો હોય તાલાલા પંથકના ચિત્રાવડ,બોરવાવ,ધાવા સહિતના ઉત્તર અને પૂર્વ દિશામાં આવેલ 20 થી 25 ગામોમાં ભુકંપની અસર જોવા મળી હતી.ધરતીકંપના આંચકાથી નુકસાની થયાના કોઈ સમાચાર નથી.તાલાલા પંથકમાં શરૂ થયેલ ધરતીકંપના આંચકા માં વધારો થતો હોય લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.



