રાજકોટમાં 19 સ્થળો પરથી ડૉ. કુમાર વિશ્ર્વાસની કથાના પાસ વિતરણનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રમાં જળસંચયના ભગીરથ કાર્યને વધુ વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અદ્ભુત અને અપૂર્વ ‘જલકથા: અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. વિખ્યાત કવિ, કથાકાર અને તત્ત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસના વ્યાસાસને યોજાઈ રહેલ આ જલકથામાં હાજરી આપવા તાજેતરમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રેસરોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના મંત્રીઓને ભાવપૂર્વક આમંત્રણ પાઠવ્યું હતું.
જળસંચયના મહાઅભિયાનને જનજાગૃતિ અને અનુદાન દ્વારા વેગ આપવાના હેતુથી યોજવામાં આવેલ આ જલકથા દરમિયાન ડો. કુમાર વિશ્ર્વાસ ભગવાન શ્રીકૃષ્ણ (શ્યામ)ની કથા સાથે જળ સંરક્ષણનું મહત્ત્વ અને તેની તાત્કાલિક જરૂરિયાત અંગે પ્રેરક સંદેશ આપશે. આ ઐતિહાસિક જલકથા આગામી તા. 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દરરોજ સાંજે 7થી 12 દરમિયાન યોજાશે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અગ્રેસરોએ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીઓ અને અગ્રણી નેતાઓને રૂબરૂ મળીને જલકથામાં ઉપસ્થિત રહેવા માટે હૃદયપૂર્વકનું આમંત્રણ પાઠવ્યું હતું. ટ્રસ્ટના અગ્રેસર જે. કે. સરધારાએ સૌ પ્રથમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલકથામાં હાજર રહેવા આમંત્રણ આપ્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, ગોરધનભાઈ ઝડફિયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ટ્રસ્ટના જળસંચયના કાર્યોની સરાહના કરીને જલકથાને શુભેચ્છાઓ પાઠવી હતી. ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર અને ગુજરાતના હજારો આગેવાનોને આમંત્રણ પાઠવેલ છે તેમજ રાજકોટમાં કુલ 19 સ્થળો ઉપરથી નાગરિકો માટે વિનામૂલ્યે પાસ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રઘુવંશી સમાજની ગીરગંગાના જળસંચય અભિયાનને સંપૂર્ણ સહયોગની ખાતરી
રાજકોટ તથા સૌરાષ્ટ્રને ફરીથી હરિયાળુ બનાવવાના મહાઅભિયાન પર કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાઈ રહેલ ડો. કુમાર વિશ્ર્વાસની રાજકોટની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ના અનુસંધાને રાજકોટના રઘુવંશી સમાજે વિશાળ સંખ્યામાં સોમવારે સાંજે રેસકોર્સ સ્થિત ગીરગંગાના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લઈ જળસંચયના કાર્યો અને જલકથાને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. રઘુવંશી સમાજના પ્રતિનિધિ મંડળે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓને આ પુણ્ય કાર્યમાં તન, મન અને ધનથી જોડાવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે રઘુવંશી સમાજના અગ્રણી સર્વે હરીશભાઈ લાખાણી, રોટરી ક્લબના મેહુલભાઈ નથવાણી, શાંતુભાઈ રૂપારેલિયા, હસુભાઈ ચંદારાણા, હસુભાઈ ભગદેવ, કાળુમામા વડેરા, મનુભાઈ કોટક, મેહુલભાઈ નથવાણી, મયુર અનડકટ, મયુરભાઈ નથવાણી, નીરવભાઈ રાયચુરા, કલ્પેશભાઈ બગડાઈ, વિશાલ કેસરીયા, દીપકભાઈ કારીયા વગેરે જોડાયા હતા.



