રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં 100 કરોડના ફ્લાયઓવર છતાં ટ્રાફિકજામની સ્થિતિ યથાવત્
જ્યુબેલી ચોક અને જવાહર રોડનો વૈકલ્પિક માર્ગનો ધસારો, અનેકવાર એમ્બ્યુલન્સ ફસાઇ
- Advertisement -
હરિહર ચોક પાસે ચાલતાં બોક્સ કલવર્ટના કામથી વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના સૌથી વ્યસ્ત એવા સિવિલ હોસ્પિટલ ચોકમાં 100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા થ્રી આર્મ ફ્લાયઓવર બાદ પણ ટ્રાફિકજામની સમસ્યા યથાવત્ છે. અહીં દરરોજ એમ્બ્યુલન્સ, સ્કૂલવાન, કોર્ટ જતા વાહનો અને હોસ્પિટલ સાથે સંકળાયેલા લોકોની અવરજવર સૌથી વધુ રહે છે. પરિણામે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ ઉભી થાય છે. તેમજ હોસ્પિટલ, કોર્ટ, એસબીઆઈ બેંક તથા કોઠી કમ્પાઉન્ડ તરફ જતા વાહનચાલકો સર્વિસ રોડમાં રોંગ સાઇડમાં ઘૂસી જાય છે, જ્યાં જગ્યા ઓછી અને અવ્યવસ્થા વધુ હોવાને કારણે લાઈનો લાગી જાય છે. આ ઉપરાંત હરિહર ચોક પાસે બોક્સ કલવર્ટ અને રિટેઇનિંગ વોલનું કામ શરૂ થતાં રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આથી જ્યુબેલી ગાર્ડન ચોકેથી જવાહર રોડ તરફનો નિયમિત રૂટ વળાંક લઈને વાહનચાલકોને પસાર થવુ પડે છે. આ રૂટ પર પણ દબાણ વધતા પીક અવર્સ દરમિયાન દર્દીઓ લઈને દોડતી એમ્બ્યુલન્સ કલાકો સુધી અટવાઈ જતી હોય છે. અનેક વાહનચાલકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઓવરબ્રિજ બન્યા પછી ટ્રાફિક ઓછું થશે એવી અપેક્ષા હતી પણ હવે તો ભીડ વધુ વધી રહી છે, ખાસ કરીને સવારે-સાંજે તો સ્થિતિ કાબૂ બહાર હોય છે.
ઉલ્લેખનીય છે કે શહેરના સૌથી વધુ ધમધમતા હોસ્પિટલ ચોક પર ઓવરબ્રિજ હોવા છતા ટ્રાફિકજામની સમસ્યા સતત રહે છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે ત્રણ રોડ કૈસરે હિન્દ પુલ સાઇડ આઈપી મિશન સ્કૂલથી 389 મીટર, જામનગર રોડ સિવિલ હોસ્પિટલના બીજા દરવાજા સુધી 328 મીટર અને જવાહર રોડ પર હોટેલ ઠાકર સુધી 323 મીટર લંબાઇનો 100 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજ 27 મીટર ઊંચો અને 30 મીટર પહોળો છે. આ બ્રિજની નીચે પણ વાહનો આવન જાવન કરે છે તેમ છતા અવ્યવસ્થાના કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે.
- Advertisement -
યોગ્ય આયોજન કરવાથી ટ્રાફિકની પરિસ્થિતિમાં સુધારો થઇ શકે
રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોક જેવા સંવેદનશીલ વિસ્તારમાં ટ્રાફિકનું યોગ્ય મેનેજમેન્ટ સૌ પ્રથમ જરૂરી છે. તંત્ર અને ટ્રાફિક પોલીસ વિભાગ જો યોગ્ય સંકલન કરી કાર્ય કરે તો હાલની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો આવી શકે તેમ છે. ફ્લાયઓવરની નીચે સર્વિસ રોડ સુગમ બનાવવા, પાર્કિંગ પર નિયંત્રણ લાવવા તથા વાહનચાલકોને સ્પષ્ટ માર્ગદર્શન મળે તે માટે સાઇન બોર્ડ અને ટ્રાફિક વોર્ડનની તાત્કાલિક વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હોસ્પિટલમાં આવતા-જતા એમ્બ્યુલન્સ અને દર્દી વાહનોને કોઇ અગવડતા ન પડે તે માટે ખાસ સગવડ ઉભી કરવી જોઈએ.



